લોકસભાના મુરતીયાઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં નકકી કરી લેવા રાહુલનો પ્રિયંકા-સિંધિયાને આદેશ
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે જયારે કોંગ્રેસ આ વખતે નવા ‚પરંગ અને અભિગમ સાથે મેદાનમાં ઉતરી છે. પક્ષમાં પ્રિયંકા ગાંધી અને નવા ચહેરાઓની ટીમની શકિતનો ભરપુર ઉપયોગ કરી લેવા રાહુલ ગાંધીએ પક્ષને એકશન મોડમાં લાવી ફેબ્રુઆરીના અંત સુધીમાં તમામ બેઠકો માટે ટકોરા બંધ ઉમેદવારો શોધવાનું કામ સોંપી દીધું છે.
રાહુલ ગાંધીએ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જયોતિ રાદિત્ય સિંધિયાને આ કામ સોંપીને કોંગ્રેસમાં હવે વારંવાર ખોટા સિકકાઓની અજમાઈશના પ્રયોગો હેઠા મુકીને બબ્બે ત્રણ-ત્રણ વાર ચુંટણી હારી જનાર નેતાઓને સાઈડ લાઈન કરી નવા મુરતિયાઓને ટકોરા બંધ ઉમેદવારોને અજમાવવાની રણનીતિ અખત્યાર કરી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રિયંકા ગાંધી અને તેની ટીમને લોકસભાની ચુંટણીનાં ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર કરવાનું જણાવ્યું છે. ઉતરપ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો છે તેની સાથે જયોતિ રાદિત્ય સિંધીયાને મદદ માટે નિમવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ પક્ષમાં યુવા નેતૃત્વ અને પ્રજાજનો ચાહતા હોય તેવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો મત વ્યકત કરી બે થી ત્રણ વખત હારી ગયેલા અને વારંવાર જનાધાર મેળવવા માટે ખોટા સિકકા પુરવાર થતા હોય તેવાઓની જગ્યાએ નવા ચહેરાઓને પસંદ કરવાનું આદેશ આપી લોકસભાની ચુંટણી માટે કોંગ્રેસે નવો જ વ્યુહ અપનાવ્યો છે. રાહુલ ગાંધીએ ટયુટર ઉપર આ મીટીંગ અંગે જણાવ્યું હતું કે, હું પક્ષના મહાસચિવો અને રાજયના ઈન્ચાર્જને કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે મળ્યો ત્યારે અનેક દિશામાં ચર્ચા-વિચારણા, પરામર્શ વખતે પક્ષના સભ્યોમાં ગજબની ઉર્જા જોવા મળી.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની રણનીતિ અને પ્રચાર મનમોહક છે. ભાજપ જેવા તો નથી જ તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અંગે અને તેમના નેતાઓને ભામક કરનારા વિરોધીઓ હવે ખુલ્લા પડી ગયા છે. આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. ગઠબંધનની શકયતા અને જરૂરીયાતોની ચર્ચા ઉપરાંત વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા અને ભાજપ દ્વારા સરકારી સંસ્થાનોના કરવામાં આવતા દુરઉપયોગની ચર્ચા થઈ હતી. પક્ષે સરકારના નાગીરક સુધારા ખરડાનો બન્ને ગ્રહમાં વિરોધ કરવાની રણનીતિ જાહેર કરી છે. કોંગ્રેસે રાજયસભામાં આ ખરડો પાસ થવા નહીં દે. રાહુલ ગાંધીએ વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી.
રાહુલ-પ્રિયંકાના નેતૃત્વથી કોંગ્રેસને નવો જુસ્સો મળ્યો: અમરેન્દ્રસિંઘ
કોંગ્રેસનાં મહાસચિવ તરીકે વરાયેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની મહેનતથી કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે. આ મુજબ ટીમ મોદી સરકારના આગામી લોકસભાની ચુંટણીમાં સુપડા સાફ કરી નાખશે તેમ પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્રસિંઘે જણાવ્યું હતું. રાહુલ ગાંધી દેશની દરેક સમસ્યાના ઉકેલની કોઠાસુઝ ધરાવે છે. તેમણે કોંગ્રેસને નવા યુગ તરફ પ્રયાણ કરાવ્યા હોવાનું જણાવ્યું છે.