બિભત્સ માગણી ન સ્વિકારતા તમંચાના કુંદા મારી મકાનમાં તોડફોડ કરી ધરાર પ્રેમી સાગરીતો સાથે ફરાર: ગેંગ રેપના પ્રયાસનો નોંધાતો ગુનો
શહેરમાં લુખ્ખાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લુખ્ખાઓ કાયદો પોતાની મુઠ્ઠીમાં હોય તેમ અવાર નવાર લખણ ઝળકાવતા હોય છે. દુધ સાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી મુસ્લિમ પરિણીતાને છેલ્લા એક માસથી પજવણી કરતા લુખ્ખા શખ્સે ત્રણ સાગરીતો સાથે ઘસી આવી તમંચાના કુંદા મારી મકાનમાં તોડફોડ કર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ચારેય શખ્સો સામે ગેંગ રેપના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુધ સાગર રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી અફસાનાબેન ઇમરાનભાઇ ધાનાણી નામની ૨૮ વર્ષની મેમણ પરિણીતા પર તેના જ વિસ્તારના ઇમ્તિયાઝ ઉર્ફે લાલો, સહેજાદ, સોહીલ અને એક અજાણ્યા શખ્સે ગતરાતે તમંચાના કુદા મારી મકાનમાં તોડફોડ કરતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
જસદણની અફસાનાબેનના ૧૩ વર્ષ પહેલાં લગ્ન થયાનું અને તેણીને બે પુત્ર અને એક પુત્રી તેમજ રિક્ષા ચાલક પતિ ઇમરાન સાથે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહે છે. તેના જ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો છેલ્લા એકાદ માસથી પજવણી કરી બિભત્સ માગણી કરતો હોવાથી તેને તાબે ન થતા સાગરીતો સાથે મળી મકાનની બારીમાંથી મોબાઇલમાં ફોટા પાડી બ્લેક મેઇલીંગ કરતો હોવાથી બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે ઇમ્તિયાઝ પોતાના ત્રણ સાગરીતો સાથે ગતરાતે અફસાનાબેનના મકાનમાં ઘુસી ‘તારી સાથે મારે સુવું છે કહી નિર્લજ્જ હુમલો કર્યા બાદ તમંચો બતાવી પોતાની સાથે અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરી તમંચાના કુંદા અને કોયતાથી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘવાયેલા અફસાનાબેન મેમણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ છે. ઇમ્તિયાઝ ઉર્ફે લાલા અને તેના સાગરીતોએ મકાનમાં તોડફોડ કર્યાના આક્ષેપ કર્યો છે.
થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.વી.ગઢવી સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે ગેંગ રેપના પ્રયાસનો ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.