કાલે પૂ.નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે ગુરૂદેવનો પુણ્યસ્મૃતિ અવસર
જેમની દ્રષ્ટિ માત્ર, અનેકોના અંતરમાં અજવાળા કરી દેનારી હતી. જેમના ચરણની રજમાત્ર, અનેકોના જીવનમાં માંગલ્યતાનું સર્જન કરી દેનારી હતી એવા ગોંડલ સંપ્રદાયના સિદ્ધ પુરૂષ, અવધૂતયોગી, ૧૪૫ આત્માઓના દીક્ષા દાતા તપોધની તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવ રતિલાલજી મહારાજ સાહેબની ૨૦મી પુણ્ય સ્મૃતિનો અવસર ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ આદર્શયોગિની પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજી આદિ મહાસતીજી વૃંદના સાંનિધ્યમાં રાજકોટ સ્થિત તપસમ્રાટ તીર્થધામ ખાતે આવતીકાલે, સવારે ૦૯.૦૦ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.
પરમ ઉપકારી તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના સહનશીલતાના સંસ્મરણો યાદ કરતા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવે મનુષ્ય માટે જ નહીં, પ્રાણીઓ અને પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમ હતો. અનુકૂળ વ્યક્તિઓ પ્રત્યે જ નહીં, પણ પ્રતિકૂળ વ્યક્તિઓ પ્રત્યે પણ સમભાવ હતો. જેમના હૃદયમાં કોઈ જીવ પ્રત્યે દુર્ભાવના નહોતી એવા તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ લોહી નીતરતા પગ સાથે ઉપાશ્રયમાં પધાર્યા. શ્રાવકો ભેગા થઈ ગયા અને તેમના પૂછવા પર તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રી બોલ્યા,પ્રત્યેક જીવ તેના સ્વભાવ અનુસાર પ્રવૃત્તિ કરે છે. કૂતરાએ કૂતરાનો સ્વભાવ બતાવ્યો, સાધુએ સાધુનો સ્વભાવ બતાવ્યો.જેવાં મારાં કર્મ હતાં એવો કૂતરો હતો. કુતરાના કરડવા પર ઇન્જેક્શન લેવા માટે શ્રાવકો વિનંતી કરતા રહ્યા પણ ગુરુદેવે માત્ર એક જ મંત્ર આપી દીધો, જેનામાં વેર હોય તેને જ ઝેરની અસર થાય. જેને કોઈના પણ પ્રત્યે વેર ન હોય તેને ક્યારેય ઝેરની અસર ન થાય.
જેમના હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને કરૂણા હતાં, જેમને કોઈના પ્રત્યે વેર કે દ્વેષ નહોતા, એવા શ્રેષ્ઠ સાધક, તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની ૨૦મી પુણ્ય સ્મૃતિના અવસર તેઓના ગુણાનુવાદ કરીને સ્વયં ગુણવાન બનવા માટે, સવારે ૦૯.૦૦કલાકે રાજકોટના તપ સમ્રાટ તીર્થધામ ખાતે પધારવા અનુરોધ કરાયો છે.