રજાના દિવસે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી ઓપરેશન કરી પડધરી પંથકનાં દેવીપૂજક યુવાનની જીંદગી બચાવી
રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદીના યુવાન પુત્ર અને ન્યુરોસર્જન ડો.પુનિત ત્રિવેદીએ પિતાના સેવાના વારસાને જાળવી રાખી પિતાના પરોપકારી પગલે ચાલતા દર્દી નારાયણની સેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડયું છે. મકરસંક્રાંતની રજાના દિવસે પડધરી પંથકના ગરીબ દેવીપુજક યુવાનને અકસ્માત થતા ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને ડો.પુનિત ત્રિવેદીએ રજા માણવાના બદલે ઈમરજન્સીમાં યુવાનનું ઓપરેશન કરી તેની જીંદગી બચાવી અને કુદરતે પણ યુવા ન્યુરોસર્જનની સેવા ભાવનાને પ્રતિસાદ આપતા હોય એમ યુવાનને નવજીવન બક્ષતા ગરીબ પરીવારમાં રાહતની લાગણી જન્મી છે.
રજાના દિવસે અર્ધબેભાગ હાલતમાં યુવાન મેહુલને રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરી ફરજ પરના રેસીડન્ટ ડો.નિલેશ ચૌહાણે તપાસતાં તેને નાક/કાનમાંથી લોહી નિકળતું હતું અને આંચકી સાથે ઉલ્ટી થતી હતી આથી દર્દીનું સીટી સ્કેન કરાવતા તેની ખોપડીનું હાડકુ તુટી ગયું હતું અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય મગજ પર દબાણ થતું હતું. પેશન્ટની ગંભીર સ્થિતિ જોઈ રેસીડન્ટ ડો.નિલેશે સેવા સેતુ હેઠળ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા યુવા ન્યુરોસર્જન ડો.પુનિત રાજેન્દ્ર ત્રિવેદીને જાણ કરતાં ડો.પુનિત રજાના દિવસે સાંજે પરીવાર સાથે મજા માણવાના બદલે પહેલા દર્દીની સેવાને પ્રાધાન્ય આપ્યું અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા. ડો.પુનિત ત્રિવેદી જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદીના પુત્ર છે. સૌરાષ્ટ્રમાં પિતા-પુત્ર ન્યુરોસર્જન હોય એવી આ એક માત્ર અને પ્રથમ જોડી છે. ડો.રાજેન્દ્ર ત્રિવેદી વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે સેવા આપે છે અને શિવાનંદ મિશન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના નેજા તળે પણ ગરીબ દર્દીઓની સેવા અવિરત કરે છે.
અંદાજે અઢી કલાકથી વધુ ચાલેલા આ જોખમી ઓપરેશનમાં એનેસ્થેટીસ્ટ ડો.દિપીકા બારૈયા, ડો.ધરત ચૌધરી, ડો.પાયલ હડિટા, નર્સિંગ સ્ટાફ શ્રુતિબેન ડાભી, હિતેષ પટેલ વગેરે સેવા આપી હતી. સિવિલમાં ઓપરેશન તથા સારવાર મેહુલને વિનામૂલ્યે મળી, આ જ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવવા જાય તો કદાચ લાખો રૂપિયાનો ખર્ચ થાય. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક ડો.મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ ન્યુરોસર્જન પિતા-પુત્રની જોડી એટલે કે ડો.રાજેન્દ્ર ત્રિવેદી અને ડો.પુનિત ત્રિવેદીની સેવા ઉપલબ્ધ બની હોય ગરીબ દર્દીઓ માટે ખુબ રાહતરૂપ બન્યું છે.