અરજી પ્રક્રિયા સરળ હોવાથી ખેડૂતોને લાભ, જિલ્લા પંચાયત દ્વારા સહાયની ધડાધડ ચૂકવણી
રાજકોટ જિલ્લાના ઓછા વરસાદવાળા તાલુકાઓના ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક સહાયની જિલ્લા પંચાયત દ્વારા ધડાધડ ચુકવણી થઇ રહી છે. રાજકોટ જિલ્લાના ૧૩૪૩૫૫ ખેડૂતોને અત્યાર સુધીમાં ૧૨૦.૧૧ કરોડની કૃષિ ઇનપુટ સહાય ચૂકવી દેવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ ઉક્ત બાબતની માહિતી આપતા કહ્યું કે, રાજકોટ જિલ્લામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય એવા બે તાલુકા પડધરી અને વિંછીયામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હેક્ટરની મહત્તમ મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ રૂ. ૬૮૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં પડધરી તાલુકાના ૧૦૯૫૪ ખેડૂતોને રૂ.૧૧૬૧ લાખ અને વિંછીયા તાલુકાના ૯૧૯૫ ખેડૂતોને રૂ. ૯૭૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના બાકીના તાલુકામાં સહાય ચૂકવવાનું ધોરણ જોઇએ તો ૨૫૦થી ૩૦૦ મિ. મિ. વરસાદ પડ્યો હોય તેવા તાલુકામાં રૂ.૬૩૦૦, ૩૦૦થી ૩૫૦ મિ. મિ. વરસાદ માટે રૂ. ૫૮૦૦અને ૩૫૦ થી ૪૫૦ મિ. મિ. વરસાદ માટે રૂ. ૫૩૦૦ની કૃષિ ઇનપુટ સહાય ચૂકવવાનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આ સહાયનો લાભ રાજકોટ જિલ્લાના ૬ તાલુકાના ખેડૂતોને મળ્યો છે.
રાણાવસિયાએ કહ્યું કે, ઇનપુટ સહાય માટેની પ્રક્રીયા એકદમ સરળ રાખવામાં આવી છે. લાભાર્થી ખેડૂતોએ ગ્રામપંચાયતમાં સાદી અરજી કરવાની રહે છે. જેમાં પાકની વિગતો દર્શાવતો સાતબારનો ઉતારો, ઓળખપત્ર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની છે. એ બાદ અરજદાર ખેડૂતનું વેરિફિકેશન કરી તુરંત સહાય ચૂકવી દેવામાં આવે છે. આવેલી અરજીઓ પૈકી બાકી રહેલા ખેડૂતોને પણ ચૂકવણીની કાર્યવાહી ચાલુ છે.