સ્કૂલ બસ, રિક્ષા, એક્ટિવા અને કારને ઠોકર મારતા નાસભાગ મચી ગઇ: ત્રણ ઘવાયા: ટ્રાફિક જામ થયો
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા તંત્ર દ્વારા માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માધાપર ચોકડી પાસે વહેલી સવારે બેકાબુ બનેલા ટ્રકના ચાલકે એક સાથે ચાર વાહનને હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી દેતા નાસભાગ મચી ગઇ છે. અકસ્માતમાં કાર, એક્ટિવા અને રિક્ષાનો બુકડો બોલી ગયો હતો અને ત્રણ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જામનગર તરફથી પુર ઝડપે ઘસી આવેલા જી.જે.૧૦ ટીવી ૮૭૪૨ નંબરના ટ્રકના ચાલકે સૌ પ્રથમ સ્કૂલ બસને ઠોકર મારી અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ગભરાયો હતો અને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી માધાપર ચોકડી પાસે ઉભી રિક્ષા, જી.જે.૩ એચએ. ૫૫૯૦ નંબરની કાર અને એક્ટિવાને ઠોકર મારતા માધાપર ચોકડી પાસે અફડાતફડી મચી ગઇ હતી. બેકાબુ ટ્રક કેટલાને ઠોકર મારે તે નક્કી કરવું મુશ્કેલ હતુ ત્યાં પાર્ક કરેલી કાર સાથે અથડાયા બાદ ટ્રક ઉભો રહેતા ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો.
માધાપર ચોકડી પાસે આવેલા રાધાપાર્કમાં રહેતા પ્રેમકુમાર જીવણભાઇ નામના ૨૬ વર્ષના યુવાન પોતાની કાર લઇને જી.જે.૩ એચએ. ૫૫૯૦ નંબરની કાર લઇને માધાપર ચોકડીએ ગાઠીયા ખાવા ગયા હતા ત્યારે જી.જે.૧૦ ટીવી. ૮૭૪૨ નંબરનો ટ્રક ઘસી આવ્યો હતો અને કારને ઠોકર મારી પ્રેમકુમારને હડફેટે લેતા તેઓ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જયારે મુળ રાજસ્થાનના વતની અને ઘંટેશ્વર પાસે બ્રહ્મનાથ સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ અંબારામ જોષી નામના ૩૪ વર્ષના વિપ્ર યુવાન પોતાના એક્ટિવા પર શિતલ પાર્ક પાસે આવેલા સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે રસોઇ બનાવવાનું કામ કરતા હોવાથી ત્યારે જઇ રહ્યા હતા ત્યારે માધાપર ચોકડી પાસે પાનના ગલ્લે તમાકુ અને ફાકી લેવા ઉભા રહ્યા ત્યારે ઘસી આવેલા ટ્રકના ચાલકે એક્ટિવાને કચડીને પોતાને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
માધાપર ચોકડી પાસે સવારમાં જ હીટ એન્ડ રનની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતની હારમાળા સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસને અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.