નવા શૈક્ષણીક વર્ષથી પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર
આંતરીક મૂલ્યાંકનના ૨૦ ગુણમાંથી ૭ ગુણ મેળવવા જ પડશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો. ૧૦ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષા પધ્ધતિમાં નવા શૈક્ષણિક સત્રથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આગામી માર્ચ ૨૦૨૦માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં એમ.સી.કયુ પધ્ધતિ રદ કરવામાં આવી છે. ઉપરાંત હવે ધો.૧૦માં પાસ થવા ૮૦ માર્કની બોર્ડની પરીક્ષામાંથી ૨૭ અને આંતરીક મૂલ્યાંકનના ૨૦ ગુણમાંથી ૭ મળીને ૩૩ ગુણ મેળવવાના ફરજીયાત થશે જયારે ધો.૧૨ સાયન્સમાં ૫૦ ગુણના એમ.સી.કયુ રદ કરવા સાથે તેની સામે ૨૦ ગુણના હેતુલક્ષી પ્રશ્ર્નો પેપરમાં પૂછવાનું નકકી કરાયું છે.
શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરાયો છે. જે મુજબ માર્ચ ૨૦૨૦માં લેવાનારી ધો.૧૦ની પરીક્ષામાં ૫૦ ટકા એમસીકયુ પધ્ધતિના સ્થાને ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્ર્નો રહેશે બોર્ડના ૮૦ ગુણના પ્રશ્ર્નપત્રમાં ૨૦ ટકા (૧૬ગુણ) હેતુલક્ષી પ્રશ્ર્નો તેમજ ૮૦ ટકા (૬૪ ગુણ) ટુંકા પ્રશ્ર્નો, લાંબા પ્રશ્ર્નો, નિબંધ લક્ષી પ્રશ્ર્નોનો સમાવેશ કરવામાં આવશે. જયારે આંતરીક મૂલ્યાંકનના ૨૦ ગુણમાં પાંચ ગુણ પ્રથમ કસોટીના ગુણ આધારે, પાંચ ગુણ બીજી કસોટીના આધારે, પાંચ ગુણ નોટબુક સબમિશનના અને પાંચ ગુણ સબ્જેકટ એનરિચમેન્ટ એકિટવીટીના રહેશે.
માર્ચ ૨૦૨૦માં લેવાનારી ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં ૫૦ ટકા એમસીકયુ પધ્ધતિને સ્થાને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્ર્નોપત્રમાં ૨૦ ટકા એટલે કે ૨૦ ગુણના હેતુલક્ષી પ્રશ્ર્નો રહેશે જયારે ૮૦ ટકા એટલે કે ૬૦ ગુણના પ્રશ્ર્નો ટુંકા, લાંબા અને નિબંધ પ્રકારના રહેશે જયારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં પ્રાયોગીક કાર્યો ૫૦ ગુણનું જ રહેશે.