જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ર્ને સરકારને ઢંઢોળવા નવતર કાર્યક્રમોનું આયોજન: ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલ
જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે પડતર પ્રશ્ને સરકારને ઢંઢોળવા નવતર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં રાજયભરનાં આરોગ્ય કર્મીઓ આગામી બુધવારે માસ સીએલ ઉપર ઉતરીને રકતદાન કેમ્પ અને રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આગામી ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલનું પણ એલાન આપવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતોના આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને સરકાર સમક્ષક રજૂઆતો કરી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવતા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટ જિલ્લા સહિત રાજયભરનાં આરોગ્ય કર્મચારીઓએ સતત પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. આ સાથે ગત તા.૨૮ના રોજ પેનડાઉનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા હવે બુધવારે માસ સી.એલ.નો કાર્યક્રમ આપવામાં આવનાર છે. જેમાં રાજકોટ જિલ્લા સહિત રાજયભરનાં આરોગ્ય કર્મીઓ ફરજથી અળગા રહીને રકતદાન કેમ્પ અને રામધૂન સહિતના કાર્યક્રમો યોજીને અનોખી રીતે વિરોધ પ્રગટ કરવાના છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ આગામી ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલ પર પણ ઉતરવાના છે.
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુક એન.પી. ડઢાણીયાએ આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગેમાહિતી આપતા જણાવ્યું હતુ કે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કર્મચારીઓ ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવું, રાજય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યા અપગ્રેડ કરવ, લેબ ટેકનીશીયન ને મેલેરીયા સુપર વાઈઝરક તરીકે બઢતી આપવી, નવા મંજૂર થયેલ જિલ્લામાં જિલ્લા કક્ષાનુ મહેકમ મંજૂર કરવું,
જિલ્લા કક્ષાની સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપીને ભરવી, પંચાયત સેવાના કંપાઉન્ડરોને ફાર્માસીસ્ટ અને મ.પ.હે. વર્કરો અને ફી.હે.વ.નું નવુ નામાભિધાન કરવું, ગ્રામ કક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરનાં પેટા કેન્દ્ર ઉપર મ.પ.હે.વ.ની જગ્યા મંજૂર કરવી, તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે ફાર્માસિસ્ટને લેબ ટેકનીશીયનની નવી જગ્યાઓ ઉભી કરવી તેમજ આરોગ્યનાં મેડીકલ વિભાગના ટેકનીશીયનને આર.ઓ.પી. ૧૯૮૭થી રાજય સેવામાં પંચાયત સેવામાં અમલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.