મૃતક ગઢવી પરિણીતા સામે ત્રણ બાળકોને કુંવામાં ફેંકી મોતને ઘાટ ઉતારવાનો નોંધાતો ગુનો
વિસાવદર તાલુકાના જેતલવડ ગામની ગઢવી પરિણીતાએ પોતાના ચાર બાળકોને કુંવામાં ફેંકી પોતે પણ ઝંપલાવી લેતા ત્રણ બાળકો અને પરિણીતાના મોત નિપનજતા ગૃહ કલેશના કારણે સામૂહિક આપઘાતની ઘટના બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતક ગઢવી પરિણીતા સામે ત્રણ બાળકોના કુંવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિસાવદરના જેતલવડ ગામે રવિવારે સવારે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતી પરિણીતાએ ગૃહ કંકાસથી કંટાળી ચાર સંતાનોને કુંવામાં ફેંકી પોતે પણ કુંવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવની જાણ થતાં આસપાસના વાડી માલીકો દોડી આવ્યા હતા અને કુંવામાં વીજ વાયર પકડીને મોત સામે ઝઝુમતા આઠ વર્ષના બાળકને બચાવી લીધો હતો. જયારે બે બાળકી અને એક ૧૧ માસના બાળક અને માતાના ડૂબી જવાથી મોત થયા હતા. આ બનાવથી ખોબા જેવડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વિસાવદરના જેતલવડ ગામના પાદરમાં આવેલી ગૌશાળા પાસે રહેતા હરસુરભાઈ વિહમ ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયારે તેની પત્ની જીવીબેન ગૌશાળામાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહ્યાં હતા. આ ગઢવી દંપતિ રાજુભાઈ હરસુરભાઈ વિરમ (ઉ.૮), જાનવી હરસુરભાઈ વિરમ (ઉ.૪.૫), હેતવીબેન હરસુરભાઈ (ઉ.૩) તેમજ કરણ હરસુરભાઈ (ઉ.૧૧ માસ) નામના ચાર સંતાનો હતા. ગઢવી પરિવાર મહેનત મજૂરી કરીને જીંદગી વિતાવતા હતા.
દરમિયાન રવિવારે સવારે ૯ વાગ્યાના સુમારે જીવીબેન પોતાના ચારેય સંતાનો સાથે જેતલવડથી લાલપુર રસ્તા પર ભરતભાઈ બચુભાઈ સાગાની વાડીએ પહોંચયા હતા. આ તકે ભરતભાઈ પોતાની વાડીમાં દવા છાંટી રહ્યાં હતા. જયારે તેની સામેની વાડીમાં ભગાભાઈ કાતરિયાની વાડીએ પાણી વાળી રહ્યાં હતા.
અચાનક ભગાભાઈની વાડીના કુંવામાં કાંઈક પડયાનો અવાજ આવતા તેને વાડીએ દોડી આવી કુવામાં નજર કરતા મોટરના કેબલને પકડીને એક છોકરો નજરે પડયો હતો. જેને ગામના વ્યક્તિ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. કુંવામાંથી બહાર કઢાયેલા બાળકે પોતાની માતાએ ચાર સંતાનોને કુંવામાં ફેંકી માતાએ પણ કુંવામાં ઝંપલાવી દીધાનું જણાવ્યું હતું. જેના પગલે વાડી માલીકે ગ્રામજનોને આ બનાવની જાણ કરી હતી.
બીજીબાજુ વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કુવામાં ગરક ત્રણ બાળકો અને માતાના મૃતદેહને શોધવા માટે વિસાવદરના તરવૈયા વિજયભાઈને બોલાવામાં આવ્યો હતો. જેને ઉંડા કુંવામાં દોરડાના સહારે ઉતરી ત્રણ બાળકો તેમજ તેની માતાની લાશને બહાર કાઢી હતી.
જયારે બનાવની જાણ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ મામલતદાર ગોસાઈ પીએસઆઈ માલમ તેમજ ૧૦૮ અને જૂનાગઢ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ગયા હતા. આ બનાવ પાછળ ગૃહ કંકાસ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.