જસદણની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ સન્માન કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં મંખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ સંમેલનમાં 13 જિલ્લાના લગભગ એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીએ કોળી સમાજને સંબોધન કરતા જણાવ્યું કે, કોળી દેશની પ્રાચીન સમયની જાતિ છે.
દેશમાં કોળી સમાજની વસતી મોટા પ્રમાણમાં છે. કોળી જાતિ કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત એમ અનેક રાજ્યોમાં પથરાયેલી છે. પ્રાચીન મુંબઈના સાતેય ટાપુઓ પર કોળી સમાજના લોકોનો વસવાટ હતો. ગુજરાતમાં કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પથરાયેલી છે.
કોળી સમાજની ત્રણ વિશેષતાઓ મને ખૂબ ગમે છે. તેઓ મહેનતું છે, કાળી મજૂરી આ સમાજમાં જોવા મળે છે. આ સમાજમાં સામાજિક એકતા છે. સમાજનો કોઈ વ્યક્તિ દૂર સુધી માંદો પડ્યો હોય તો આખો સમાજ એક થઈ જાય. મને સૌથી ગમતું કામ છે, જેના માટે હું કુંવરજી ભાઈ સાથે વર્ષોથી વાતો કરતો અને એ કોળી સમાજની યુવાપેઢીમાં રહેલી વિકાસની ભૂખ.
આ સમાજનો ખાલી વોટબેંક માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોળી સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ છે, જેને કારણે રોજગારમાં પાછી પડે છે. આથી શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ કરવું પડશે. હું જવાનોને મળવા સરહદે ગયો ત્યારે મને એક કોળી સમાજનો યુવક મળ્યો હતો. કોળી સમાજના ભાઈઓ મજબૂત બાંધાના છે. કુંવરજીભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા તરફથી હંમેશા આપ બે ડગલા ચાલશો તો હું ત્રણ ડગલા ચાલવા તૈયાર છું.