રાજકોટ નાગરિક સમિતિની રચના કરી કોર્પોરેશન હસ્તગત કરવાની વેતરણમાં: ગમે ત્યારે ત્રીજા મોરચાની સતાવાર જાહેરાત: ટીમ ઈન્દ્રનીલ જુથના કોંગી કોર્પોરેટરો ત્રીજા મોરચાનો પાલવ પકડશે
કોંગ્રેસનો સાથ છોડયા બાદ રાજકીય રીતે અનાથ બની ગયેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ હવે ભાજપ અને કોંગ્રેસને હંફાવવા માટે રાજકોટ નાગરિક સમિતિ નામે નવી રાજકીય પાર્ટીની રચના કરી ત્રીજા મોરચાની સ્થાપવા કરવાની વેતરણમાં હોવાનું વિશ્વસનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ અંગે ટુંક સમયમાં સતાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે.
વિધાનસભાની ચુંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે રાજકોટ પશ્ચીમ બેઠક ધોબી પછડાટ ખાધા બાદ ઈન્દ્રનીલભાઈ રાજયગુરુએ રાજકીય સંન્યાસ લઈ લીધો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.
છેલ્લા થોડા સમયથી તેઓ ફરી જાહેર જીવનમાં સક્રિય થયા છે અને અલગ-અલગ મુદાઓ પર ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા છે. સતાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસને હંફાવવા માટે ઈન્દ્રનીલ રાજયગુરુ ટુંક સમયમાં ત્રીજા મોરચાની રચના કરશે જેને રાજકોટ નાગરિક સેવા સમિતિ નામ આપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. મહાપાલિકાની ચુંટણીને આડે હવે બે વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે ઈન્દ્રનીલ રાજયગુરુ પ્રેરિત આ ત્રીજા મોરચાનો મુખ્ય લક્ષ્યાંક મહાપાલિકાને કોંગ્રેસ તથા ભાજપ મુકત કરવાનો રહેશે તેવું મનાઈ રહ્યું છે. ટીમ ઈન્દ્રનીલમાં કાર્યરત કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો પણ આ ત્રીજા મોરચામાં જોડાય તેવું હાલ દેખાઈ રહ્યું છે. એક સમયના ભાજપના કદાવર નેતા અને છેલ્લા ત્રણેક વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલા એક અગ્રણી પણ ત્રીજા મોરચામાં હોંશભેર જોડાય તેવું લાગી રહ્યું છે. શહેર કોંગ્રેસને એક પછી એક ધકકા પહોંચી રહ્યા છે. જુથવાદના કારણે મહાપાલિકામાં જોરદાર સભ્ય સંખ્યા હોવા છતાં કોંગ્રેસ સબડ વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે જો ઈન્દ્રનીલ રાજયગુરુ ત્રીજા મોરચાની સ્થાપના કરશે તો કોંગ્રેસ વધુ જુથમાં વહેંચાઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે.
ઈન્દ્રનીલ રાજયગુરુએ ત્રીજો મોરચો ખોલવાની તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે તેઓ જાહેર જીવનમાં ફરીથી સક્રિય થયા છે અને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ ફરી રાજકારણમાં પુરજોશમાં સક્રિય થવા માંગે છે જોકે આ વખતે તેઓનો લક્ષ્યાંક ભાજપનો ખેસ ધારણ કરવાનો કે કોંગ્રેસનો હાથ પકડવાનો નથી પરંતુ ત્રીજો મોરચો રચીને બંને પક્ષોને હંફાવવાનો રહેશે.