“સ્વતંત્ર ભારતના આજ સુધીના શ્રેષ્ઠ અને અત્યંત સરાહાનીય બજેટ બદલ નાણાંમંત્રીને અભિનંદન
મજબૂત અને શક્તિશાળી સરકારે અભૂતપૂર્વ બજેટ રજૂ કરીને સમગ્ર દેશવાસીઓ સમક્ષ વધુ એક વખત આ હકીકત પુરવાર કરી બતાવી છે તેવું ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ગરીબો, ખેડૂતો, નોકરિયાતો તેમજ માધ્યમ વર્ગને ભારે રાહતો આપતા વિકાસલક્ષી બજેટને ઉમળકાભેર વધાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે પાંચસો કરોડ રૂપિયા ફાળવાયા છે અને જરૂર પડ્યે વધુ ફાળવણી કરવાની હૈયાધારણ સરકારે આપી છે. આ યોજના અંતર્ગત રૂપિયા દર મહિને પંદર હજાર સુધી કમાતા અંદાજે દસ કરોડ શ્રમિકોને લાભ મળશે.
વન રેન્ક, વન પેન્શન યોજના સાથે સરકારે સેવા-નિવૃત્ત સૈનિકો માટે પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવવાનું એલાન કરીને મોદી સરકારે સિક્સર લગાવી છે ભૂતકાળની કોંગ્રેસ સરકાર કરતાં છ ગણી વધારે ફાળવણી સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવી છે. બજેટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મોદી સરકારે ત્રણ લાખ કરોડ રૂપિયાનાં ડિફેન્સ બજેટની જાહેરાત કરી છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડની વધુ ફાળવણી કરાઈ છે જે દેશના સુરક્ષા દળોનો આત્મવિશ્વાસ ખુબ જ વધારી દેશે.
ગૌમાતા માટે રાષ્ટ્રીય કામધેનૂ આયોગ તેમજ દરેક ઘરમાં વીજળી પૂરવઠો પૂરો પડવા પ્રતિબદ્ધ છે. એલઈડી સુવિધાથી આવતા પાંચેક વર્ષમાં વીજળીના બિલ્સમાં રૂ. પચાસ હજાર કરોડની બચત થઈ શકશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. ૧૯ હજાર કરોડ જેવી માતબર ફાળવણી કરવામાં આવી છે.
ધ્રુવે જણાવ્યું છે કે, બજેટથી રીયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, શિક્ષણ, તથા અન્ય સ્ટાર્ટ-અપ્સ બજારોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. સવા સાત લાખ કરોડની લોન આપવામાં આવી જેમાં ૭૦ ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. ખેડુતોની આવક બમણી થાય એ માટે સરકારે પોતાના વચન મુજબ બાવીસ જેટલા પાક પરની મિનિમમ સપોર્ટ પ્રાઈસ પચાસ ટકા વધારી આપી છે.૬૦ વર્ષની ઉમંર બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે એવી સુવિધા કરી આપી છે. આ માટે આ વર્ગે મહિને માત્ર ૧૦૦રૂપિયા ફાળવવાના રહેશે. બિન-સંગઠિત ક્ષેત્રના આશરે ૧૦ કરોડ લોકોને આનાથી લાભ થશે.