કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું શકિતપ્રદર્શન: મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેશે
સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોળી સમાજની સૌથી વધુ વસ્તી છે. ત્યારે આજે ચોટીલા ખાતે સમસ્ત કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં સહિત દેશભરમાંથી કોળી સમાજના આગેવાનો સહીત હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ત્યારે આ મહાસંમેલનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-સાંગાણી નેશનલ હાઇવે પર અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી દ્વારા સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી એવા કોળી સમાજના કુંવરજીભાઇ બાવળીયાના સન્માન સમારોહનું આગામી તારીખ ૨ ફેબ્રુઆરીને શનિવારના રોજ બપોરે ૨ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં સંમેલન સ્થળની રૂબરૂ મુલાકાત લઇ સંમેલનમાં આવનાર તમામ લોકોને કોઈ જ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ અંગે કોળી સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સમગ્ર રાજ્ય સહીત દેશમાંથી કોળી સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત જિલ્લા, તાલુકા, ગ્રામપંચાયતમાં, નગરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રમુખો, ઉપપ્રમુખ, સરપંચ, સદસ્યો સહીત વિવિધ મંડળના હોદેદારો, આગેવાનો, કાર્યકરો સહીત કોળી સમાજના લોકો મળી અંદાજે બેથી અઢી લાખ લોકો સંમેલનમાં ઉપસ્થિત રહેશે તેવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે. જ્યારે આ સંમેલનને સફળ બનાવવા કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ સહિત સ્થાનિક હોદેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
રાજકીય ભેદભાવ ભૂલી કોઈપણ પક્ષના કોળી સમાજના લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંમેલનની અધ્યક્ષતા ખુદ કુંવરજી બાવળિયા કરશે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આ સંમેલનમાં સમાજના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમાજના ઉત્કર્ષ તેમજ શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યો કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની સુવિધાની જરૂર હોવાનું જણાવ્યું. બાવળિયાએ જણાવ્યું કે સમાજના લોકોને અંધશ્રદ્ધામાંથી પણ બહાર આવવું જોઈએ. તેના માટે કાર્યક્રમો કરાશે.