નવ વ્યકિતઓ ઘાયલ: જાનૈયાની કાર અને સ્કોર્પીયોનો કડુસલો : દરજી પરિવારમાં અરેરાટી
માંગરોળ ખાતે લગ્નપ્રસંગમાં આવેલા અને બપોરે નજીકના લોએજ ગામે મંદીરે દર્શન કરી પરત ફરી રહેલા જાનૈયાની કાર અને સ્કોપીઁયો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહીલા સહિત દરજી પરિવારના ત્રણ લોકોના મોત નીપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. જયારે ઘવાયેલા નવ લોકોને હોસ્પિટલે ખસેડાયા બાદ ચારને વધુ સારવાર અથેઁ જુનાગઢ રીફર કરાયા છે. ઘટનામાં બંને વાહનોનો કડુસલો બોલી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના માંડવી ગેઈટ નજીક બજરંગ વાડીમાં દરજી પરિવારમાં બે બહેનોનો લગ્ન પ્રસંગ હતો. જેમાં એક જાન રાજકોટથી આવી હતી. જેમાં સામેલ વરરાજાના પિતરાઈ ભાઈ, ભાભી સહિત ત્રણ લોકો જમણવાર પતાવી મારૂતિ કાર(GJ-૦૩-૩KF-૧૭૮૩)માં નજીકના લોએજ ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદીરે દર્શન કરવા ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે માંગરોળ આવવાને બદલે રસ્તો ભુલી જતા શીલ તરફ ચાલ્યા ગયા હતા. પરંતુ થોડે દુર પહોંચતા ખ્યાલ આવતા તેઓ અહીં પરત આવતા હતા. તે સમયે સામેથી આવતી સ્કોર્પીયો(GJ-૦૩-CE-૮૯૭૯) સાથે મારૂતિ અથડાઈ હતી. ભયાનક અકસ્માતમાં બંને કારનો ડૂચો બોલી ગયો હતો. આ દરમ્યાન આજુબાજુમાંથી એકઠા થયેલા લોકોએ બંને વાહનોમાં સવાર ગંભીર રીતે ઘવાયેલા ૧૨ લોકોને તાત્કાલિક બહાર કાઢયા હતા. તેઓને ૧૦૮ની મદદથી સરકારી હોસ્પિટલે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે મારૂતિમાં સવાર કમલભાઈ અમૃતભાઈ સોલંકી, નીશાબેન સોલંકી તથા મીનાબેન ધાનક (રહે. રાજકોટ)ને મૃત જાહેર કર્યા હતા. જયારે કંચન વિરમભાઈ સોલંકી(ઉ.વ.૩૦), રચના હમીરભાઈ સોલંકી(ઉ.વ.૫), ઈશા નારણભાઈ સોલંકી(ઉ.વ.૧૦), વિરજી પાંચાભાઈ સોલંકી(ઉ.વ.૨૮)ને સારવાર આપવામાં આવી હતી અને સરમણભાઈ પાંચાભાઈ સોલંકી(ઉ.વ૪૦), નારણભાઈ હમીરભાઈ સોલંકી(ઉ.વ.૪૦), જશુબેન નારણભાઈ સોલંકી(ઉ.વ.૧૫), તથા પુજા નારણભાઈ સોલંકી(ઉ.વ.૨)ને વધુ સારવાર અથેઁ રીફર કયાઁ હતા. સ્કોર્પીયોમાં સવાર પરિવાર પોરબંદરના જાંબુના વતની હોવાનું તથા કાણેકથી દર્શન કરી પરત ફરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. કરૂણ બનાવને પગલે શુભ પ્રસંગનો ઉત્સાહ અને ઉમંગ શોકમાં પલ્ટાયો હતો.