રાજકોટ મહાનગરપાલિકામાં ડે. સેક્રેટરી અને પી.એ. ટુ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તરીકે ફરજ બજાવતા સી. એન. રાણપરા સતત ૩૬ વર્ષથી વધુ સમય એક જ કચેરીમાં સેવા બજાવી તા.૩૧/૦૧/૨૦૧૯ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનો નિવૃત્તિ વિદાયમાન સમાંરભ યોજાયો હતો.
આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુનિસિપલ સેક્રેટરી રૂપારેલિઆ, ચીફ ઓડિટર કે. એલ. ઠાકોર, પી.એ. ટુ મેયર હિંડોચા, ડે. ચીફ ઓડિટર મારૂ, પૂર્વ મ્યુનિ. સેક્રેટરી મહિપતસિંહ જાડેજા, પૂર્વ ડે. સેક્રેટરી મહેશકુમાર ભટ્ટ, સિટી એન્જી. અલ્પના મિત્રા તથા સેક્રેટરીની કચેરીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા. રાજકોટમાં જન્મેલા રાણપરાનું બચપણ જુના ગામતળમાં વીતેલ, પ્રાથમિક અભ્યાસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે સ્કૂલમાં અભ્યાસ કરેલ તે કિશોરસિંહજી શાળા નં.૧માં કરેલ. તત્કાલીન સોની સમાજમાં ભણતરનું મહત્વ ઓછું હતું ત્યારે તેમની પાંચ પેઢીમાં ગ્રેજ્યુએટ થનાર તેઓ પ્રથમ હતા. મોટા થઇ એલ.એલ.બી.નો અભ્યાસ કરવાની તમન્ના હતી અને તેઓ એલ.એલ.બી. પણ થયા. દરમ્યાનમાં તા.૧૩/૦૧/૧૯૮૩માં રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા. સાથોસાથ અભ્યાસ પણ ચાલુ રાખી, ડીપ્લોમાં લેબર લો, એલ. એસ. જી. ડી. અને છેલ્લે બી. જે. એમ. સી. ની પદવી મેળવી. નોકરીમાં જોડાયા ત્યારથી, મનમાં ગાંઠ વાળેલ કે, એક વખત મ્યુનિસિપલ સેક્રેટરી તો થવું જ અને ૨૦૦૩માં રાજકીય કટોકટી વખતે મ્યુનિસિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળેલ. જે જુન ૨૦૧૪ સુધી યથાવત રહ્યો. નોકરી દરમ્યાન ઉત્તરોત્તર પ્રમોશન મેળવી છેલ્લે ડેપ્યુટી સેક્રેટરીના પદ પર નિયુક્ત થયેલ તો સાથોસાથ પી.એ. ટુ. ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળતા હતા. સને ૨૦૧૧માં રાજકોટ મહાનગરપાલિકાને તાત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે એવોર્ડ મળેલ તે સ્વિકારવા ગયા હતા. મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં પણ તેનો સમાવેશ થયેલ. સને ૨૦૦૫માં કોચીન ખાતે યોજાયેલ વર્લ્ડ મેયર કોન્ફરન્સમાં પણ તેઓએ ભાગ લીધો હતો. નોકરીની સાથોસાથ સમાજ સેવા ચાલુ રાખી, સતત ૨૦ વર્ષ સુધી શ્રી ઝાલાવાડી દશાશ્રીમાળી સોની સમાજમાં સહમંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા હતા. દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે પાયારૂપ તાલીમનું કામ કરતી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટની રાજકોટ ખાતેની શાખા શરૂ કરવામાં સ્વ. રામભાઈ ઠાકરના સહભાગી રહ્યા હતા. અને છેક ૨૦૧૪ સુધી તેમાં માનદસેવા આપી છે.