ખેડુતની જમીનની માપણીની રેકર્ડમાં નોંધ પાડવા રૂ.૫ હજારની લાંચ લીધી: મહિલા ઇન્સ્પેકટરની શોધખોળ
સુરેન્દ્રનગર લેન્ડ રેકર્ડના મહિલા ઇન્સ્પેકટર વતી સર્વેયર રૂ.૫ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી મહિલા કર્મચારીની શોધખોળ હાથધરી છે.
આ અંગેની એસીબી સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતની જમીનની માપણી કરી જેની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરી આપવાના બદલામાં જિલ્લા લેન્ડ રેકર્ડના મહિલા ઇન્સ્પેકટર યોગીતાબેન પ્રવિણ કુમાર શાહે રૂ. ૭ હજારની લાંચની માગણી થતાં રકઝકના અંતે રૂ.૫ હજાર આપવાનું નક્કી થયું હતું.
લેન્ડ રેકર્ડના મહિલા ઇન્સ્પેકટર યોગીતાબેન શાહે રૂ.૫ હજારની લાંચની માગણી કર્યા અંગેની એસીબીમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ. પી. દોશીના માર્ગ દર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પી.આઇ. એમ.બી.જાની સહિતના સ્ટાફે લાંચનું છટકુ ગોઠવ્યું હતું.
ખેડુત પાસેથી રૂ.૫ હજારની લાંચ લેતા વઢવાણ તાલુકાના ખોડુ ગામના સર્વેયર લાલજી મકન ડાભીને ઝડપી લીધો હતો. અને મહિલા ઇન્સ્પેકટર યોગીતાબેન શાહની શોધખોળ હાથધરી છે.