સંપાદન કરાયેલી ૬૭ એકર જમીનમાંથી વિવાદીત ૦.૩૧૩ એકર જમીન પર યથાસ્થિતિ જાળવી રાખીને રામ જન્મભૂમિ ન્યાસને તેની ૪૨ એકર જમીન પરત આપીને ત્યાં રામમંદિર બનાવવા છૂટ આપવા મોદી સરકારની યોજના
લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે અયોધ્યા રામમંદિર મુદે સુપ્રીમ કોર્ટમાં ચાલતા વિવાદમાં કેન્દ્ર સરકારે ઝંપલાવીને વિવાદ વગરની સંપાદન કરાયેલી જમીન તેના મૂળ માલીકને પરત સોંપવા અરજી કરી છે. જેમાં રામજન્મભૂમિ ન્યાસની જમીનનો પણ સમાવેશ થાય છે. જેના કારણે ભાજપના નેતાઓએ મોદી સરકારના આ પગલાને અયોધ્યામાં ભગવાન રામના મંદિર બનાવવાના કામ શરૂ થવાના સંકેત સમાન ગણાવ્યું હતુ આરએસએસ, વિશ્વહિન્દુ પરિષદે શિવસેના સહિતના હિન્દૂવાદી સંગઠ્ઠનો અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે લોકસભાની ચૂંટણી પહેલા ખરડો લાવવા મોદી સરકાર સમક્ષ માંગ કરી રહ્યું હતુ. ત્યારે કેન્દ્ર સરકારનું આ પગલુ આ સંગઠ્ઠનોને રાજી કરવા સમાન મનાય રહ્યું છે.
અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાનની માલિકીનો વિવાદ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે થોડાસમય પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુવાદી સંગઠ્ઠનોની રામમંદિર માટે ખાસ ખરડો લાવવાની માંગ ટુકરાવીને સુપ્રીમના ચુકાદા બાદ જ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. જેનાથી હિન્દુવાદી સંગઠ્ઠનોમાં રોષ છવાઈ ગયો હતો. જેની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે તાજેતરમાં પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં પોતાના ઉદબોધન દરમ્યાન અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે તેમની પાર્ટી કટીબધ્ધ હોવાની વાત કરી હતી. જેના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન ગઈકાલે કેન્દ્ર સરકારે બિનવિવાદીત જમીન તેના મુળ માલિકોને પરત સોંપવા અરજી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં રામમંદિર માટે થયેલા આંદોલન બાદ નરસિંહ રાવ સરકારે રામ જન્મભૂમિ આસપાસની ૬૭ એકર જમીનને સંપાદીત કરી હતી. જે બાદ આ સંપાદીત જમીન પર રામલ્લાની આરતી શરૂતા મુસ્લિમ અરજદારની અરજી પર સુપ્રીમ કોર્ટ આ સમગ્ર સંપાદીત જમીન પર યથા સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે ગઈકાલે સુપ્રીમ કોર્ટે કરેલી અરજીમાં માત્ર ૦.૩૧ એકર જમીન જ વિવાદીત હોવાનું જણાવીને બાકીની સંપાદીત જમીન તેમના મૂળ માલીકોને પરત કરવા મંજૂરી માંગી હતી.
ભાજપના વરિષ્ટ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં રામમંદિર બનાવવાનો રામ જન્મભૂમિ ન્યાસની ઈચ્છા પૂર્ણ થશે અને તેમની સંપાદન કરાયેલી ૪૨ એકર જમીન પર તેઓ રામમંદિર બનાવી શકશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે સરકાર વિવાદીત ૦.૩૧૩ એકર જમીન પર યથા સ્થિતિ જાળવી રાખવા કટીબધ્ધ છે. પરંતુ જે જમીન વિવાદીત નથી તે તેના મૂળ માલીકોને પરત આપવી જ જોઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કેન્દ્ર સરકારના આ પગલાને આવકારીને તેનાથી અયોધ્યામાં રામમંદિરનો કાંટાળો રસ્તો સાફ થશે તેમ જણાવ્યું હતુ.