એન્ટાર્ટીકના ‘પોલાર વોરટેકસ’થી ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું
વિશ્વ ના સૌથી ઠંડાગાર ગણાતા એન્ટાર્ટીક વિસ્તારમાં કોલ્ડ બ્લાસ્ટથી હિમપ્રપાતની સ્થિતિ સર્જાઈ છે. જેની અસરો સમગ્ર દેશ અને ખાસ તો ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. આ વખતે શિયાળામાં સૌથી વધુ ઠંડી વધુ બે દિવસ રહેવાની માહિતી હવામાન વિભાગ પાસેથી મળી હતી.
ઈન્ડિયન મેટના જણાવ્યા મુજબ એન્ટાર્ટીક રીઝનમાં દક્ષિણ તરફ ડિસેમ્બર મહિનામાં હિમપ્રપાત અને તેજ પવનની પરિસ્થિતિ જોવા મળી હતી જેને પોલાર વોરટેકસ નામ આપવામાં આવ્યું છે જેની સીધી અસર ઉત્તર ભારત પર જોવા મળી રહી છે. ગઈકાલે રાજસ્થાનના ચુરુમાં તાપમાન માઈન્સ ૧.૧ ડિગ્રીએ પહોંચ્યું હતું. એન્ટાર્ટીકના હિમપ્રપાતને કારણે અમેરિકા અને યુરોપ પણ થ્રીજી ગયું છે. માઉન્ટ આબુમાં શુન્ય ડિગ્રી તાપમાન, રાજસ્થાનના ભીલવારામાં ૦.૮ ડિગ્રી, ચુરુમાં માઈન્સ ૧.૧, આગ્રામાં ૩.૧ ડિગ્રી, અમરીતસરમાં ૧.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ત્યારે ઉત્તરાખંડના મસુરીમાં માઈન્સ ૦.૧, શ્રીનગરમાં માઈન્સ ૫.૪, હિમાચલના કેલોંગમાં માઈન્સ ૧૬.૨ અને જમ્મુ-કાશ્મીરના ફહાલગામમાં માઈન્સ ૧૩.૭ ડિગ્રી તાપમાન સાથે સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીનો ભોગ બન્યું છે.
રસપ્રદ વાત તો એ છે કે, એન્ટાર્ટીકમાં જે પોલાર વોરટેકસ સર્જાયું છે તેનું કારણ ગરમ પવન છે. એન્ટાર્ટીકના ઉપરી વાતાવરણમાં ગરમ પવન ફૂંકાતા સ્ટ્રેટોસ્ફેરીક વોર્મિંગ થયું છે જેને કારણે બરફ જલ્દીથી ઓગળતા હિમપ્રપાતની સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક વિસ્તારો તેમજ દેશોમાં તેની અસરના ભાગરૂપે દેખો ત્યાં ઠાર જેવી પરિસ્થિતિ બની છે.