જિલ્લાભરની કોલેજના ૪૦ વિદ્યાર્થીઓ સહભાગી થઈ તેમના વિચારો વ્યકત કર્યા
વેરાવળ સ્થિત સી.પી.ચોકસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજે નેશનલ યુથ પાર્લામેન્ટ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનો યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની વિવિધ કોલેજનાં ૪૦ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, સોમનાથ એજ્યુકેશન સોસાયટીનાં ચેરમેન ડો.ફીચડીયા, સેક્રેટરી ભરતભાઇ શાહ, ખજાનચી જે.બી.મહેતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
૪૦ વિદ્યાર્થીઓ સતત ૩ કલાક સુધી દેશનાં અર્થતંત્રની સ્થિતિ, આંતકવાદ, ખેલો ઇન્ડીયા, જળવાયું પરિવર્તન, ક્લાઇમેન્ટ ચેન્જ, ભષ્ટાચાર સહિતનાં વિષયો પર તેમનાં વિચારો વ્યક્ત કર્યા હતા. સ્પર્ધાનાં અંતે યુથ પાર્લામેન્ટમાં પ્રથમ સ્થાને નિખાર હિરપરા અને પાયલ વાઘ, દ્રિતીય સ્થાને ગોરી તોષીફ, તૃતીય સ્થાને નાઘેરા અર્જૂન અને ચોથા સ્થાને મકવાણા મયુર વિજેતા થયા હતા. જિલ્લાકક્ષાએ વિજેતા થનાર આ સ્પર્ધકો રાજ્યકક્ષાએ યોજાનાર યુથ પાર્લામેન્ટમાં ગીર-સોમનાથ જિલ્લાનું પ્રતિનિધીત્વ કરશે.
યુથ પાર્લામેન્ટનાં આ કાર્યક્રમમાં ચોકસી કોલેજનાં પ્રિન્શીપાલ ડો.રશ્મીબેન મહેતા, ડો.વઘાસીયા, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, વેરાવળ મામલતદાર દેવકુમાર આંબલીયાએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રો.અર્જૂન ચોચાએ કર્યું હતું.
આ પ્રસંગે રાજશીભાઇ જોટવાએ કહ્યું કે, સાંપ્રત વિષયો અંગે દેશના યુવાનોના વિચારો, આપણી સંસદીય કાર્યપધ્ધતિ તેમજ યુવાનો દેશનાં વિકાસમાં પોતાનું યોગદાન કઇ રીતે આપી શકે તેવી બધી બાબતોને આવરી લઇ યુથ પાર્લામેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.