બહુમાળી ભવન પાસેના હોકર્સ ઝોન અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પાસે ચબુતરા નજીક રેકડી અને ચકરડીવાળાઓનું સ્થળાંતર કરાયું
શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલા મેદાન ખાતે આવતીકાલથી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અહીં બેસતા ૧૦૦ જેટલા ચકરડી અને રેકડીવાળાઓનું સ્થળાંતર કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. ગરીબોની રોજીરોટી છીનવાતા ભારે વિરોધ ઉભો થતા અંતે તમામને બહુમાળી ભવન પાછળ આવેલા હોકર્સ ઝોન અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પાસેના ચબુતરા નજીક સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ બુક કરવામાં આવ્યું છે. હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે ત્યારે અહીં ઉભા રહેતા રેકડી અને ચકરડીવાળાઓને કમાવવાની સીઝન છે ત્યારે ભાગવત સપ્તાહ માટે ૧૦૦ જેટલા ચકરડીવાળાઓને હાંકી કાઢવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો હતો. દરમિયાન આ સમગ્ર મામલો મ્યુ.કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચતા તેઓએ તમામ રેકડી અને ચકરડીવાળાઓને બહુમાળી ભવન પાસે આવેલા હોકર્સ ઝોન અથવા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના ચબુતરા પાસે સ્થળાંતર કરવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરતા મામલો શાંત પડયો હતો અને તમામનું ૧૦ દિવસ માટે બે જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.