ફુલ ફોકસ ટેકસ રિકવરી પર કરાશે: મિલકતની આકારણીની કામગીરી પણ બંધ
ટેકસ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા રૂ.૨૫૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હવે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. ટેકસ બ્રાંચનું ફુલ ફોકસ રીકવરીમાં રહે તે માટે મ્યુનિસિપલ કમિશનરે આગામી ૩૧મી માર્ચ સુધી વાંધા અરજીઓ સ્વિકારવાની કામગીરી બંધ રાખવા ટેકસ બ્રાંચને આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની કાર્પેટ એરિયાની અમલવારીના કારણે વાંધા અરજીઓનું પ્રમાણ વઘ્યું છે. જે કરદાતાઓના વેરામાં વધારો થયો છે તેઓ વાંધાઅરજી કરી રહ્યા છે જેના કારણે ટેકસ બ્રાંચની કામગીરીમાં વિક્ષેપ ઉભો થાય છે. ટેકસ બ્રાંચને આપવામાં આવેલો રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી શકાય તે માટે આગામી ૩૧મી માર્ચ સુધી વાંધા અરજીઓ સ્વિકારવાની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવા મ્યુનિ.કમિશનર દ્વારા લેખિતમાં આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિલકતની નવી આકારણીની કામગીરી પણ હાલ પુરતી બંધ કરવાની સુચના આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચ પાસે ૮૯ વાંધા અરજીઓ પેન્ડીંગ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.