નીતિન રામાણીને મળ્યા ૧૧૧૧૬ મત, સંજયસિંહ વાઘેલાને મળ્યા ૪૭૯૯ મત: મહાપાલિકામાં ભાજપનું સભ્ય સંખ્યાબળ ૪૦ નગરસેવકોએ પહોંચ્યુ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં અપેક્ષા મુજબ જ ભાજપના ઉમેદવાર નિતીનભાઈ રામાણીનો તોતીંગ લીડ સાથે વિજય થયો છે. પેટાચુંટણીમાં ભાજપનો વિજય વાવટો ફરકતા મહાપાલિકામાં ભાજપનું સભ્ય સંખ્યાબળ ૩૯ નગરસેવકોથી વધી ૪૦ નગરસેવકોએ પહોંચી ગયું છે.
કોંગ્રેસનો સાથ છોડી નગરસેવકપદેથી નિતીન રામાણીએ રાજીનામું આપતા વોર્ડ નં.૧૩ની એક બેઠક ખાલી પડી હતી જેના માટે ગત ૨૭મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાયું હતું. કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઈ પટોરિયાએ ઉમેદવારી પાછી ખેંચી લઈ ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લેતા ભાજપના ઉમેદવાર નિતીનભાઈ રામાણીની જીત નિશ્ચીત થઈ જવા પામી હતી. એક તરફી ચુંટણીમાં માત્ર ૩૧.૨૩ ટકા જેટલું જ સામાન્ય મતદાન થયું હોવા છતાં નિતીન રામાણીનો રેકોર્ડબ્રેક ૬૩૧૭ મતોથી વિજય થયો હતો. વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર નિતીનભાઈ રામાણી સહિત કુલ ૬ ઉમેદવારો વચ્ચે ટકકર હતી.
મતદાનમાં માત્ર ૧૮,૩૦૩ મતો પડયા હતા. ભાજપના ઉમેદવાર નિતીનભાઈ રામાણીને ૧૧૧૧૬ મત અને તેના નજીકના હરીફ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને ૪૭૯૯ મતો મળ્યા હતા. આમ નિતીનભાઈનો ૬૩૧૭ મતોથી વિજય થયો હતો. અન્ય અપક્ષ ઉમેદવાર અતુલભાઈ રાઠોડને ૧૩૬૯, નિલેશભાઈ ઝરીયાને ૩૨૭, જેન્તીભાઈ મકવાણાને ૯૩, મુકેશભાઈ ડાભીને ૧૮૬ મત મળ્યા હતા જયારે નોટામાં ૪૧૩ મત પડયા હતા. આમ નોટા પેટાચુંટણીમાં ત્રીજા ક્રમે રહ્યું હતું.