ચેરમેનની મુદત પુરી થવાની અણીએ હોવાથી લાગતા વળગતાઓનાં કામોને જ મંજુરી મળી રહી હોવાના આક્ષેપો
જૂનાગઢ વર્તમાન પરિસ્થિતિમાં મનપામાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે સતામાં બેઠેલા ભાજપના જ અમુક કોર્પોરેટરો સ્ટેન્ડીંગ ચેરમેન તેમજ કમીટીથી નારાજ થવા પામ્યા છે. અને હાલ સ્ટેન્ડીંગ ચેરમેનની મુદત પુરી થવામાં હોય લાગતા વળગતાઓનાં કામોને જ મંજુરી મળી રહી હોવાનો ઉઘાડો આક્ષેપ તેઓ કરી રહ્યા છે.
આ અંગે આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની મંગળવારે બેઠક મળવાની છે. આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પોતાને લગતા કાર્યોને જ મંજુરી આપી દેવાની ફિરાકમાં ચર્ચા જાગી છે ખૂદ ભાજપના જ સૌના સાથ સૌના વિકાસના સુત્રનો છેદ ઉડાડી કામોને જ મંજૂરી આપતા હોય ભાજપના અન્ય કોર્પોરેટરમાં આ તુમાર શાહી સામે ભારે કચવાટ ફેલાયો છે. સામાન્ય રીતે ૧૫ દિવસે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મળતી હોય છે. પરંતુ લાગતા વળગતા ઓને આપેલા કામનું કમિટમેન્ટ પૂરૂ કરવા માટે એક મહિના ના મહિના અત્યંત ટુંકાગાળામાં ત્રીજી વખત સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બોલાવાઈ રહી છે. સૌ પ્રથમ તા. ૭ જાન્યુ. ના રોજ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ૩૦ વધુ આઈટમોનો એજન્ડાનો સમાવેશ કરી ૧૩૭૩ કરોડના કામને રાતોરાત મંજૂરી અપાઈ ગઈ હતી. ત્યારબાદ ૨૨ જાન્યુ.ના રોજ મળેલી બેઠકમાં પણ ૩૫ કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી. હવે ફરી તા. ૨૯ જાન્યુ. મંગળવારના રાજે સ્ટેન્ડીંગ કમીટી બોલાવાઈ રહી છે. જેમાં પણ ૩૫ જેટલા એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામો સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવી રહ્યા છે. તેમાના મોટાભાગના કામ લાગતી વળગતી એજન્સીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના અન્ય કોર્પોરેટરના વોર્ડની બાદબાકી કરીને પોતાના વોર્ડ તેમજ વિસ્તારમાં વધુ રકમ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત એજન્ડામાં ન હોય તેવી દરખાસ્તોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.