મંત્રી વાસણભાઇ આહિરે મુળી ખાતે ત્રિરંગો લહેરાવી ઘ્વજવંદન કર્યુ: સરકારી હોસ્પિટલના પટાગણમાં વૃક્ષારોપણ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૦માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી મુળી ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઇ આહિરે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ અને માર્ચપાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.રાજેશ અને પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાથે જોડાયા હતા.
આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે રાજય સરકારે સંવેદનશીલતાપૂર્વક જનહિતલક્ષી પારદર્શક નિર્ણયો લઇ જનજનને પ્રગતિશીલતાની પ્રતિતી કારવી છેલ્લા દોઢ દાયકામાં વિકાસના તમામ ક્ષેત્રે જનકલ્યાણ માટેનું જબરજસ્ત કાર્ય કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો રાજમાર્ગ પ્રસ્થાપિત કર્યો છે, જે માર્ગે રાજય સરકાર તેજ રફતારથી દોડીને જનહિતના પરિણામલક્ષી કાર્યો કરી રહી છે.
મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાના પ્રમુખ મુકતાબેન પંકજભાઇ ડગલીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. મંત્રીના હસ્તે પી.એચ.સી. ડોળીયાને ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. ઉપરાંત મંત્રી વાસણભાઇ આહિર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુળી તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક, ચોટીલા તાલુકાના આંકડીયા ગામના લાભાર્થીઓને સાંથણીની જમીનનો કબ્જો, ખેલ મહાકુંભ-૨૦૧૮માં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલ આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રાને રૂ.૧.૫૦ લાખ, દ્વિતીય સ્થાને આવેલ વડવાળાદેવ સરસ્વતિ વિદ્યાલય દુધરેજને રૂ.૧.૦૦ લાખ અને દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ વાઘગઢ પ્રાથમિક શાળાને રૂ.૭૫ હજારનો ચેક, ખેલ મહાકુંભ-૧૮માં તાલુકાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલ ખંપાળીયા પ્રાઇમરી સ્કુલને રૂ.૨૫ હજારનો ચેક, આધાર લીંકીંગ અંગેની શ્રેષ્ટ કામગીરી કરનાર સસ્તા અનાજના પરવાનેદારોને સન્માનપત્રો, અનાજના પુરવઠાની ઓનલાઇન વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનપત્ર, ૧૦૮ સેવીયર એવોર્ડ, કાયાકલ્પ એવોર્ડ તેમજ પોલીસ ખાતામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતાં.
આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેકટર કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર, અગ્રણી સર્વ દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, હરદેવસિંહ પરમાર, વિપીનભાઇ ટોલીયા, કલ્પનાબેન મકવાણા, શંકરભાઇ વેગડ, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.