ગુરુકુલ ખાતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ
સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીના પ્રાંગણમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૨૬ જાન્યુઆરી પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.વહેલી સવારે ૮-૧૫ કલાકે પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામી, જયદેવભાઈ સોનાગરા, હર્ષદભાઇ પટેલ (બોત્સવાના)ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
જે આ પ્રસંગે જયદેવભાઈ સોનાગરાએ આપણો ભારત દેશ આઝાદ થયા પહેલા ભારતની સ્થિતિની વાત કરી, આઝાદી અપાવવા ગાંધીજી,સરદાર વલ્લભભાઇ પટેલ,વગેરે નેતાઓએ બલિદાન આપ્યા તેની વાત કરી હતી
કુંભ દર્શનાર્થે પ્રયાગરાજ ગયેલા શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ફોન દ્વારા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. શહીદોની સાથે ભારતની સંત શક્તિને પણ યાદ કરવી જોઈએ. એમણે ધર્મ અને સંસ્કૃતિ માટે સમગ્ર સંસાર કુરબાન કરી દીધો છે.
જે સૈનિકોએ દેશના રક્ષણ માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે એવા જવાનોના સમર્પણને યાદકરી ભગવાનના પ્રસાદ સ્વરૂપે શહિદોના ૨૨ સંતાનોમાંના ૧૧ દિકરા અને ૧૧ દિકરીઓને દરેકને શૈક્ષણિક સહાય રુપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
છેલ્લા અગીયાર વર્ષોથી એસજીવીપી દ્વારા આ રીતે શહીદ સૈનિકોનાં પરિવારને શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. ઉપરાંત તાજેતરમાં શીખ ગુરુ તેગબહાદુર સિંહજીના કુરબાની દિવસે ગ્રંથી સાહેબ અને અન્ય શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં પૂજ્ય સ્વામીજીએ જાહેર કર્યા મુજબ હિન્દુ ધર્મના રક્ષણ માટે શહીદ થયેલ ગુરુ તેગબહાદુર સાહેબના બે નાના પુત્રોની કુરબાનીની યાદમાં શહીદ શીખ સૈનિકોનાં બે સંતાનોનું સન્માન કરી તેમના શિક્ષણ માટે સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ પરંપરા દરવર્ષે ચાલુ રાખવામા આવશે.
આ પ્રસંગે પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કેઆપણામાં પ્રામાણિકતા, સમજદારી, સમર્પણ એ સમસ્ત રાષ્ટ્ર માટે હોય એ જ આપણી રાષ્ટ્રભકિત કહેવાય. શહિદોની કુરબાનીએ આઝાદીના દ્વાર ઉઘાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.