પંદર દિવસ પછી રંગેચંગે લગ્ન થાય તે પૂર્વે જ મોત થતા પરીવારમાં અરેરાટી
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર કાગદડી નજીક શનિવારે મધરાતે ટ્રકે કારને ઠોકરે લેતા રાજકોટ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ રાણાનું પોલીસ ઈન્સ્પેકટર પિતાની નજર સામે મોત નિપજયું હતું. મૃતક રાણાના ૧૪ ફેબ્રુઆરીના રોજ લગ્ન નિધાર્યા હતા. અકસ્માતમાં પીઆઈ રાણા સહિત ચારને ઈજા થઈ હતી. એકના એક પુત્રનાં મોતથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
લીમડીના ભલગામડાના વતની અને રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૨૬) અને તેના પરીવારજનો કચ્છના નલીયા નજીકના ગામમાં લગ્ન પ્રસંગે ગયા હતા. સંબંધીનો લગ્ન પ્રસંગ પુરો કરી રાણા પરીવાર પોતાની કારમાં શનિવારે રાત્રે રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રીના ૩ વાગ્યાના અરસામાં મોરબી રોડ પર કાગદડી ગામના પાટીયા પાસે કાર પહોંચી હતી ત્યારે રાજકોટ તરફથી આવી રહેલા ટોરસ ટ્રકે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેઈક કરવાની લહાયમાં રાણા પરીવારની કાર સાથે ટ્રક અથડાવી દીધો હતો.
ટ્રક ધડાકાભેર અથડાતા કારચાલક એએસઆઈ જયદીપસિંહે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર જમણી બાજુ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયદીપસિંહ રાણાનું સ્થળ પર જ મોત નિપજયું હતું. જયારે તેમના પિતા રાજેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૫૫), માતા મંશાબા (ઉ.વ.૫૧) મૃતકના ભાભુ દક્ષાબા (ઉ.વ.૫૩) અને પિતરાઈ દર્શનસિંહને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.