દુનિયાના નંબર–૧ ખેલાડી જોકોવિચે ૧૨ વર્ષમાં ૧૫ ગ્રાન્ડ સ્લેબ જીતી ચુકયા છે: નડાલને સીધા સેટમાં ૬–૩, ૬–૨, ૬–૩થી હરાવ્યા
વર્લ્ડના નંબર-૧ ટેનિસ ખેલાડી નોવક જોકોવિચે વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેબ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ સાતમી વાર પોતાના નામે કર્યો છે. રિપોર્ટ પ્રમાણે પુરુષ સિંગલ વર્ગની ફાઈનલમાં સર્બિયાના જોકોવિચે વર્લ્ડ નંબર-૨ રાફેલ નડાલને માત આપી.
મહત્વનું છે કે, જોકોવિચે બે કલાક અને ચાર મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સ્પેનિશ દિગ્ગજ ખેલાડી નડાલને ૬-૩, ૬-૨, ૬-૩થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસલ કર્યું. સર્બિયાના ખેલાડીની આ જીતની ઓસ્ટ્રેલીયાના પૂર્વ ખેલાડી રોય અમર્સન અને સ્વીત્ઝરલેન્ડના દિગ્ગજ રોઝર ફેડરરના છ વાર જીતવાના રેકોર્ડને તોડયો છે.
જોકોવિચે ૨૦૦૮ બાદ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩માં લગાતાર ત્રણ વાર ઓસ્ટ્રેલીયન ઓપન ખિતાબ જીતવાની હેટ્રિક લગાવી હતી. ત્યારબાદ તેમણે ૨૦૧૫-૧૬મા આ ગ્રાન્ડ સ્લેમને પોતાના નામે કર્યો હતો. ૨૦૧૭માં ઈજામાંથી બહાર આવ્યા બાદ જોકોવિચ ગત વર્ષે ટેનિસ કોર્ટમાં શાનદાર વાપસી કરી. આ પ્રદર્શનને તેમણે આ વર્ષે પણ બરકરાર રાખી સાતમી વાર રેકોર્ડ બનાવતા ઓસ્ટ્રેલીયન ઓપનનો ખિતાબ જીત્યો. આ તેમના કેરિયરનો ૧૫મો ગ્રાન્ડ સ્લેબ છે તો નડાલે માત્ર ૨૦૦૯માં એકવાર આ ખિતાબ જીત્યો છે.
ઉલ્લેખનીય છે કે, જોકોવિચ અને નડાલ ૨૦૧૪ ફેન્ચ ઓપનની ફાઈનલમાં પહેલીવાર ટાઈટલ મેચમાં સામ-સામે આવ્યા હતા. આ જોકોવિચ અને નડાલની ૫૩મી મેચ હતી તે ઓપન એરા (૧૯૬૮)માં કોઈપણ બે ખેલાડીઓ વચ્ચે રમાયેલી સૌથી વધારે મેચ છે. જોકોવિચ અને નડાલની વચ્ચે કરિયર રેકોર્ડ ૨૮-૨૫ થઈ ગયો છે. જોકોવિચ ગત વર્ષે વિમ્બલ્ડન પછી સતત ૨૧ મેચ જીતી હતી. આ દરમિયાન તેમણે ૮ સેટ હાર્યા છે. જોકોવિચે બે વર્ષ પછી ઓસ્ટ્રેલીયન ઓપનનું ટાઈટલ જીત્યું.
જોકોવિચ અને નડાલનો સામનો ૧૬ વાર થયો છે. જેમાં ૧૩ જંગમાં જોકોવિચે જીત હાંસલ કરી છે. જોકોવિચથી મળેલી અને બીજીવાર ઓસ્ટ્રેલીયન ઓપન ખિતાબથી વંચિત રહેનાર નડાલે મેચ બાદ પોતાના નિવેદનમાં કહ્યું કે, હું માત્ર એક વાત કહેવા માંગુ છું કે હું મારા સંઘર્ષને ચાલુ રાખીશ. વધુ સારુ પ્રદર્શન કરવાની કોશિષ કરીશ. મારું માનવું છે કે, આ બે સપ્તાહમાં હું શાનદાર ટેનિસ રમ્યો છું અને હું મારી ટીમનો આભાર માનવા માંગુ છું. તો બીજી તરફ કોણીની સર્જરીના સંઘર્ષમાંથી બહાર આવતા જોકોવિચે કહ્યું લગભગ ૧૨ મહિના પહેલા મારી સર્જરી થઈ હતી. તેવામાં આજે આ ખિતાબ સાથે ઉભા રહેવું મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે. મારા સમર્થન માટે હું મારી ટીમનો આભાર માનવા માંગુ છું જે મારા ખરાબ સમયમાં સતત મારી પડખે ઉભી રહી.