દેશના સૌથી મોટા નાગરિક સન્માન માટે કેન્દ્ર સરકારે આ વખતે ત્રણ વ્યક્તિ પર પસંદગી ઉતારી છે. ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને સંગીતકાર ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે. નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને આ સન્માન મરણોપરાંત આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના દેશને આપેલા યોગદાનને યાદ કર્યું છે. પીએમે જણાવ્યું કે, પ્રણવ દા અમારા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે જણાવ્યું કે, પ્રણવદાએ અનેક દાયકા સુધી રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવા કરી છે. દેશના વિકાસ પર ઊંડી છાપ છોડી છે. તેમનું જ્ઞાન અને બૌદ્ધિક્તા અતુલનીય છે.

વડા પ્રધાને નાનાજી દેશમુખને પણ યાદ કરતા જણાવ્યું કે, ‘સામાજિક કાર્યકર્તા નાનાજીનું દેશના ગ્રામીણ વિકાસમાં અત્યંત મહત્વનું યોગદાન છે. તેમણે ગામડાંના લોકોનું સશક્તીકરણ કર્યું હતું અને તેમને એક નવી દિશા પૂરી પાડી હતી.

સંગીતકાર ભૂપેન હઝારિકાને યાદ કરતાં પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, “ભૂપેન હઝારિકાના ગીતો અને સંગીતને પેઢીઓએ વખાણ્યું છે. તેમણે ન્યાય, ભાઈચારા અને સદભાવનાનો સંદેશો આપ્યો છે. તેમણે ભારતના લોકસંગીતને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી હતી. ભૂપેન દાને ભારત રત્ન મળવાથી મને ઘણો જ આનંદ થયો છે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.