ડો.એ.કે.ગોએલ, ડો.જી.સી.ભીમાણી, ડો.મહેશ ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં
૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. સૈકાઓ સુધી જેની સુવાસ અને ઉજાસ પ્રસરે તેવી આ જ્ઞાનની સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ આ સદીમાં પાયાના પરિબળો તરીકે સ્થાપયા છે. આવા આ જ્ઞાનના ઉજાસને પ્રસરાવવા હરિવંદના કોલેજ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીની આવનારી સવારને ઉજાગર કરતી યુવા વિચારધારાને વાચા આપવા સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા.૧૯ જાન્યુઆરી ૨૦૧૯ને શનિવારનો દિવસ ગુજરાતની અલગ-અલગ કોલેજોના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ માટે સોનેરી સવાર લાવી. આ દિવસે હરિવંદના કોલેજ દ્વારા બીડીંગ સાઈન્ટીસ્ટ-૩ રાષ્ટ્રીયકક્ષાની પરીષદનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીષદમાં હરિવંદના કોલેજના નિમંત્રણને માન આપી ડો.એ.કે.ગોએલ (અધ્યક્ષ, બાયો પ્રોસેસ ટેકનોલોજી ડિવિઝન, ડી.આર.ડી.ઈ.ગ્વાલિયર) ડો.જી.સી.ભીમાણી (અધર ધેન ડિન, વિજ્ઞાન વિદ્યાશાખા-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો.મહેશભાઈ ચૌહાણ (સ્થાપક-સંચાલક, હરિવંદના કોલેજ), ડો.નટુભાઈ ચૌહાણ (પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ), ડો.સર્વેશ્વરભાઈ ચૌહાણ (યુવા કેમ્પસ ડાયરેકટર, હરિવંદના કોલેજ), ડો.અશ્વીનભાઈ રાઠોડ (અધ્યક્ષ-કમ્પ્યુટર સાયન્સ વિભાગ, હરિવંદના કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
પરીષદમાં કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડો.એ.કે.ગોએલ દ્વારા માઈક્રોબેસ: અવર ઈનવીસીબલ ફ્રેન્ડ ઓર વેપન્સ ઓફ ગ્લોબલ થ્રેટસ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું. ડો.ગોએલના વ્યાખ્યાનમાં વૈશ્વીક શાંતિને નાથતા સાધનો અને આવનાર સમયમાં વિકટ રાક્ષસ બની વિશ્વ સમક્ષ બાથ ભીડવા તૈયાર સાધનોને એક મિત્ર અથવા એક દુશ્મન તરીકે જોવાની દુરંદેશીતા કેળવતા વિષયને વણી લેવામાં આવ્યું. તદુપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ ડો.ભીમાણીના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનલક્ષી ભાવિના ઉત્કૃષ્ટ નિર્માણ માટે જરૂરી પગલાઓ લેવા માટેના વિષયને વણી લેવામાં આવ્યું. ટેકનોલોજી ક્ષેત્રે ભારત જયારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીડીંગ સાયન્ટીસ્ટ-૩ થકી વૈજ્ઞાનિક પ્રશિક્ષણ અને સંશોધનના વ્યાપને વધારવા જરૂરી વિષયો પર પરિપકવતા કેળવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વિષયો પર પોસ્ટર પ્રેઝન્ટેશન, ગોષ્ઠી, કાર્યશાળા તથા મોડેલની પ્રસ્તુતિ રજુ કરવામાં આવ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક-સંચાલક ડો.મહેશભાઈ ચૌહાણ, યુવા કેમ્પસ ડાઈરેકટર ડો.સર્વેશ્વરભાઈ ચૌહાણ તથા પ્રિન્સિપાલ ડો.નટુભાઈ ચૌહાણના વડપણ હેઠળ સાગરભાઈ બાબરિયા, પાર્થભાઈ ભટ્ટ, રાહુલભાઈ ભંભાણી, ડો.પંકજભાઈ અકબરી, નિકિતાબેન કોરિંગા, મનોજભાઈ કાનાણી સહિત વિજ્ઞાન વિદ્યાશાખા હેઠળ કાર્યરત બી.એસ.સી. અભ્યાસક્રમના તમામ પ્રઘ્યાપકો તથા સ્વયંસેવકોએ અનેરી જહેમત ઉઠાવી હતી.