વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીના મતદાનના બે દિવસ પૂર્વે કોંગ્રેસે નરશી પટોળીયાના નીવેદન અંગેનો વીડિયો જાહેર કરતા ખળભળાટ

 

મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોળીયાએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચીને ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આ ઘટનામાં ફરી બીજી વખત રાજકીય ગરમાવો જામ્યો છે. કોંગ્રેસે સ્ટીંગ ઓપરેશન કરીને વીડિયો જાહેર કર્યો છે જેમાં નરશી પટોળીયા કબુલાત આપે છે કે, મહિલા સાથેના અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ભાજપે ધમકી આપતા તેઓએ ફરત પરત ખેંચ્યું હતું.વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોળીયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચીને ભાજપનો ખેસ પહેરી લેતા કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ઉમેદવાર વગરનો પક્ષ થઈ જવા પામ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો ફેલાયો હતો. ઘટના વખતે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે, નરશીભાઈ પટોળીયાનું ચાર થી પાંચ શખ્સોએ અપહરણ કરીને ધરાર ફોર્મ પાછુ ખેંચાવ્યું હતું. આ મામલે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત સહિતના અગ્રણીઓએ કમિશનર કચેરીએ ધરણાનો કાર્યક્રમ પણ આપ્યો હતો.

તાજેતરમાં શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકારીની જવાબદારી અશોક ડાંગરને સોંપવામાં આવી છે ત્યારે તેઓએ પ્રમુખપદ મેળવ્યાની સાથે જ આ ઘટનાનું સ્ટીંગ ઓપરેશન કર્યું હોવાનું કોંગ્રેસ દ્વારા દાવો કર્યો છે. જે અંગેની વિગત આપવા કોંગ્રેસે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં નરશીભાઈ પટોળીયા એવી કબુલાત કરતા નજરે પડે છે કે, તેઓને એક મહિલા સાથે છેલ્લા ૭ વર્ષથી સંબંધ હોય તેનો વીડિયો વાયરલ કરીને તેઓને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી તેઓએ ફોર્મ પરત ખેંચીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસનો વીડિયો ખોટો,પોલીસ તપાસ કરે, જરૂર પડયે ફોજદારી કરીશ: નરશી પટોરિયા

narshiવોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં કોંગ્રેસના સતાવાર ઉમેદવાર હોવા છતાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નરશીભાઈ પટોરિયાએ ફોર્મ પરત ખેંચી લીધાની ઘટનામાં આજે કોંગ્રેસ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં નરશીભાઈ પટોરિયા એવું કહેતા નજરે પડે છે કે મહિલા સાથેના અનૈતિક સંબંધોનો ભાંડો ફોડવાની ભાજપે ધમકી આપતા મેં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસના આ સ્ટીંગ ઓપરેશન બાદ નરશીભાઈ પટોરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે જે વિડીયો છે તે તદન ખોટો છે પ્રભાતભાઈ ડાંગર મારા ઘરે આવ્યા હતા અને મારા તમારી સાથે થોડી અંગત વાતો કરવી છે એટલે મને અંદર રૂમમાં લઈ ગયા અંદર જઈ મને પુછવામાં આવ્યું કે ભલે તમે કોંગ્રેસ તરફથી ફોર્મ પાછુ ખેંચી લીધું હોય પરંતુ ફોર્મ પાછુ ખેંચવાનું કારણ શું ? અને મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે, ભાજપ પાસે મારા અનૈતિક સંબંધો હોવાની જે સીડી હતી તેના દબાણથી મેં ફોર્મ ખેંચ્યું છે તે આરોપો તદન પાયા વિહોણા અને બેબુનિયાદ છે જે વીડિયોમાં બેન દેખાય છે તે મારા સ્કૂલના ટ્રસ્ટી છે. તેઓની સાથે મારે ૨૦ વર્ષથી પારિવારીક સંબંધો છે નહીં કે અનૈતિક અને હું કોંગ્રેસને ખુલ્લેઆમ પડકાર આપુ છું કે જો તેમની પાસે આવા કોઈ પ્રકારની સીડી કે કોઈ માહિતી હોય તો તે મારી સમક્ષ રજૂ કરે અને જો જે આરોપો મારા પર લગાવવામાં આવ્યા છે તે સાચા સાબીત થાય તો જીંદગીભર હું કોંગ્રેસની ગુલામી કરીશ નહીંતર મારે પોલીસના દરવાજા ખટખટાવવા પડશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ પરત ખેંચવાની એક માત્ર કારણ એજ હતું કે, હું આર્થિક રીતે અને મારા પારિવારીક પ્રશ્નોને લઈ મુંજવણમાં હતો અને મને ભાજપ પક્ષ તરફથી સહેજ પણ પક્ષમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. આ તો માત્ર કોંગ્રેસની ગંદુ રાજકારણ સામે આવ્યું છે અને એમાં મને ફસાવવામાં આવી રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનુ છું કે, હું આ ગંદકીમાં ન ફસાયો. વીડિયોમાં જયારે મને રડતા જે દેખાડવામાં આવ્યો છે તે વાત સાચી છે પરંતુ રડવાનું કારણ એ હતું કે, એ કોંગ્રેસ પક્ષથી નાસીપાસ થયો છું જરૂર પડયે ફોજદારી ફરિયાદ પણ કરીશ અને કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીનો દાવો પણ કરીશ. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ભાજપ સાથે જોડાવાનું એકમાત્ર કારણ એ છે કે, મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કાર્યપ્રણાલી ખૂબજ પસંદ આવી. સાથો સાથ તેઓએ જણાવતા કહ્યું હતું કે, વીડિયોમાં જે મારી બેઠક પ્રભાતભાઈ ડાંગર સાથે ૨૭ મીનીટની કહેવામાં આવી રહી છે તે પણ તદન ખોટી વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.