ભાજપના નેતાઓમાં આવડત ન હોય કોંગ્રેસના નેતાઓને શાસન ચલાવવા લઇ જવા પડે છે: જેથી કોંગ્રેસ મુકત ભારતના બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું છે: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોક ડાંગર ‘અબતક’ના આંગણે
લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે પ્રજાને હથેળીમાં ચાંદ દેખાડીને સત્તા મેળવી હતી, પરંતુ ૨૦૧૯માં સ્થિતિ વિપરીત હોય હાર ભાળી ગયેલું ભાજપ ચૂંટણી લડવાથી દુર ભાગી રહ્યું છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યવાહક પ્રમુખ તરીકે અશોકભાઇ ડાંગરની વરણી કરવામાં આવી છે. પૂર્વ મેયર અને કોંગ્રેસના શકિતશાળી નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા અશોકભાઇને પ્રમુખ બનાવતા જ શહેર કોંગ્રેસમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હોય તેમ કોંગ્રેસના તમામ જુથોએ એક જુથ થઇને અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અશોકભાઇ આગામી લોકસભાની ચુંટણી પહેલા પાર્ટીને દોડતી કરીને લોક પ્રશ્નોને વાચા આપીને ભાજપની નિષ્ફળતાને પ્રજા સમક્ષ લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
નવનિયુકત પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વાણી સ્વાતંત્ર્ય છે જુથવાદ નથી પરંતુ, મીડીયા દ્વારા નિવેદનોને તોડી મરોડીને જુથવાદના સ્વરુપમાં પ્રસિઘ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં વોર્ડ નં.૧૩ ની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના દબાણમાં ઉમેદવારી પરત ખેંચી તેને પણ જુથવાદના સ્વરુપમાં રજુ કરવામાં આવી હતી. અમે અપક્ષ ઉમેલવારને ટેકો જાહેર કર્યો જેને પણ જુથવાદમાં ખપાવવામાં આવી હતી. જેથી અમો શહેર કોંગ્રેસના તમામ આગેવાનોને ટેકો જાહેર કરીને તેને જીતાડવા કમર કસી છેલોકસભાની ચુંટણી વચ્ચે થોડો સમય બાકી છે જયારે પાર્ટીના કાર્યકરોને દોડતા કરવા આજની તમામ પ્રયાસો શરુ કરી દીધા છે તેમ જણાવી ને અશોકભાઇએ ઉમેર્યુ હતું કે સમય ઓછો છે પરંતુ કોંગ્રેસના તમામ નેતા-કાર્યકરો સાથે સીધો પરિચયમાં હોય રગેરગે જાણું છે.જયારે ભાજપમાં રહીને ભાજપની નબળાઇનો પણ જાણી છે. જેથી આ બન્નેનો સમન્વય કરીને ભાજપને મ્હાત આપીને શ્રેષ્ઠ પરિણામો લાવવાનો પ્રયત્ન કરીશું.
ભાજપને મતદારો પરથી ભરોસો ઉઠી ગયો છે. જેથી વોર્ડની પેટા ચુંટણી લડવાના બદલે કોંગ્રેસના ઉમેદવારને દબાણથી ખરીદી લઇને ફોર્મ પરત ખેંચાવ્યું હતું. આ વોર્ડમાં ભાજપનો હાર નિશ્ચિત છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉનમાં હાર ખમવી પડે તે વિજયભાઇ માટે પડકારરુપ હોય શામ, દામ, દંડ અને ભેદ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ખરીદી લીધો છે.ભાજપની હાર થાય તો વિજયભાઇની ખુરશી પણ ડગમગે તેવી સંભાવના છે. જેથી હાર ભાળી લીધેલા ભાજપે બીન લોકશાહી પગલુ ભર્યુ છે.
કોંગ્રેસ મુકત દેશની વાત કરતું ભાજપ હવે કોંગ્રેસ યુકત બની ગયું છે. ભાજપના નેતાઓને સરકાર ચલાવતા આવડતી ન હોય કોંગ્રેસના નેતાઓને ખેંચી જાય છે. ભાજપમાં હવે મોટા ભાગના કોંગ્રેસી વિચારધારા ધરાવતા નેતાઓ છે. જેથી ભાજપ હવે કેડરબેઇઝ પાર્ટી રહી નથી તેમ જણાવીને ડાંગરે ઉર્મેર્યુ હતું કે લોકસભાની ચુંટણી પહેલા લોકમત જાગૃત કરવા કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી સમયમાં ખાટલા પરિષદ અને ચોરે પે ચર્ચા જેવા કાર્યક્રમો આપશે. જેના દ્વારા ભાજપની નિષ્ફળતા લોકો વચ્ચે રજુ કરીને લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરશે.
ભાજપે લોકસભા ૨૦૧૪ ની ચુંટણીમાં હથેળીમાં ચાંદ દેખાડીને સત્તા પ્રાપ્ત કરી લીધી હતી. પરંતુ ૨૦૧૯માં પરિસ્થિતિ તેમના માટે અતિ વિરાટ છે.મોદી સરકારને યોગ્ય રીતે વહીવટ ચલાવતા આવડતુ ન હોય પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવો સીબીઆઇના કોૈભાંડો, કોર્ટમાં પહોચ્યા છે. સુપ્રીમ કોર્ટના જજોએ પણ જાહેરમાં પોતાના બળાપા ઠાલવ્યા છે. તેમ જણાવીને ડાંગરે અંતમાં ઉમેર્યુ હતું કે આગામી લોકસભાની ચુંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઇને કામગીરી કરવા માટે પાર્ટી દ્વારા તેમને પુરી છુટ આપવામાં આવી છે. જેથી તેઓ સફળતાપૂર્વક કામગીરી કરીને કોંગ્રેસને સફળતા અપાવશે.
અશોકભાઇ ડાંગરની શુભેચ્છા મુલાકાત સમયે પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત, પ્રવકતા નિદ્દતભાઇ બારોટ, મુકેશભાઇ ચાવડા, ધરમભાઇ કાંબલીયા, જશવંતસિંહ ભટ્ટી, સુરેશભાઇ બથવાર સહીતના કોંગ્રેસી આગેવાનો ઉ૫સ્થિત રહીને કોંગ્રેસમાં એકતા હોવાનો સુર વ્યકત કર્યો હતો.