‘શ્રી કમલમ્’ ખાતે ભાજપા ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી યોજાઈ; રાષ્ટ્રીય પ્રભારી દયારામજી, ભીખુ દલસાણીયા અને આઈ.કે.જાડેજાએ આપ્યું માર્ગદર્શન
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રભારી આઇ.કે જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ દિનેશભાઇ અનાવાડીયાની અધ્યક્ષતામાં તથા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી દયારામજી, ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિતિમાં ભાજપા ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી યોજાઈ હતી.
જેમાં ગુજરાતભરમાંથી ભાજપા ઓબીસી મોરચાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ભાગરૂપે બક્ષીપંચ મોરચાના ભાગે આવતા કાર્યક્રમો અંગેની ચર્ચા કરી તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
જાડેજાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ગુજરાતના નાનામાં નાના ઓબીસી સમાજ સાથે સંપર્ક કરીને ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બક્ષીપંચ સમાજના હિતમાં જે-જે નિર્ણય કર્યા છે તેની વિગત આપવામાં આવશે.સમગ્ર રાજ્યના જિલ્લા અને મંડલ સુધીના બક્ષીપંચ મોરચાના પદાધિકારીઓ આ અલ્પકાલીન વિસ્તારક યોજનામાં જોડાશે. અલ્પકાલીન વિસ્તારક યોજનાનું આ કાર્ય ૧૦ દિવસ સુધી ચાલશે.
ભાજપા આગામી ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી સુધી સમર્પણ દિનનો કાર્યક્રમ યોજાશે. જેમાં બક્ષીપંચ મોરચા સહભાગી થશે.વધુમાં જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી ૧૫-૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પટના ખાતે ભાજપા બક્ષીપંચ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. જેમાં ગુજરાતના ૫૦૦ જેટલા આગેવાન ભાગ લેશે. તે અંગેનું આયોજન પણ આ બેઠકમાં કરવામાં આવ્યુ હતુ.
એક પ્રશ્નના ઉત્તરમાં જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતની સુખ અને સમૃધ્ધિમાં વધારો થયો છે. ઉપરાંત આ સમિટ થકી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે મોટા ઉદ્યોગગૃહો આવવાના કારણે નાના લઘુ ઉદ્યોગોને ઘણું બળ મળ્યું છે અને જ્યાં-જ્યાં નવા ઉદ્યોગો આવ્યા છે, ત્યાં માળખાકીય વિકાસ થયો છે. સૌથી મોટી બાબત એ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આજ સુધી ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપનાર રાજ્ય બની રહ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ૩૦૦ બેઠકોનું આયોજન હાથ ધર્યું છે. જેમાં પ્રદેશના ૧૭ થી ૧૮ જેટલા આગેવાન દ્વારા આ બેઠકોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને સંગઠનાત્મક સ્તરે દરેક બુથ સુધી યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવું આયોજન કરવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય મંડળ ભેગા મળીને એક મંડલ બનાવશે. એક મંડલમાં ઓછામાં ઓછા ૭૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.આ મંડલસ્તરની ૩૦૦ બેઠકોનો લાભ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ માંથી ૨૬ લોકસભા બેઠક જીતવામાં ચોક્કસપણે થશે તેમ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.