બજેટનું કદ ૨૦૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના: સફાઈ સરચાર્જના નામે રાજકોટવાસીઓ પર નવો કરબોજ લદાય તેવી વકી
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર તૈયાર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ શાખાઓ પાસેથી આવક અને ખર્ચની વિગતો એકત્રિત કરી લેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી કરવામાં આવી છે. જેમાં કાર્પેટનો દર ખુબ જ સામાન્ય રાખવામાં આવ્યો હોય નવા નાણાકીય વર્ષમાં કાર્પેટ એરિયાના દરમાં વધારો કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. સફાઈ સરચાર્જના નામે રાજકોટવાસીઓ પર નવો જ કરબોજ લાદવામાં આવે તેવી પણ શકયતા હાલ જણાઈ રહી છે.
છેલ્લા એક સપ્તાહથી મહાપાલિકામાં બજેટલક્ષી ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સંભવત: આવતા સપ્તાહે ૩૦ અથવા ૩૧ જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા દરખાસ્ત સ્વરૂપે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષથી કાર્પેટ એરિયાની અમલવારી કરવામાં આવી છે.
જેમાં રહેણાંક હેતુની મિલકત માટે કાર્પેટનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૧ અને કોમર્શીયલ હેતુ માટેની મિલકતનો દરો પ્રતિ ચોરસ મીટર રૂ.૨૨ નકકી કરવામાં આવ્યો છે જે રહેણાંક હેતુની મિલકત માટે રૂ.૪૦ સુધી અને વાણિજયક હેતુની મિલકત માટે રૂ.૮૦ સુધી વધારી શકાય તેમ હોય કાર્પેટની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. ટેકસની આવકમાંથી પગાર ખર્ચ પણ નિકળતો નથી આવામાં નવા નાણાકીય વર્ષથી કાર્પેટ એરિયાના દરમાં પણ વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
રહેણાંક હેતુ માટેની મિલકતો માટે કાર્પેટ એરિયાનો દર રૂ.૧૧ થી વધારી રૂ.૧૫ કરવા અને કોમર્શીયલ હેતુ માટેનો કાર્પેટ એરિયાનો દર રૂ.૨૨ થી વધારી રૂ.૩૦ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મિલકત વેરા પર સફાઈ સરચાર્જના નામે નવો વેરો લાદવાની પણ વિચારણા ચાલી રહી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો ચાર્જ પણ વધે તેવું મનાઈ રહ્યું છે.
હાલ રહેણાંક હેતુની મિલકત પાસેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ વાર્ષિક રૂ.૩૬૫ વસુલવામાં આવે છે જે વધારી રૂ.૫૦૦ અથવા બમણો કરાય અને કોમર્શીયલ હેતુની મિલકત પાસેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ હાલ વાર્ષિક રૂ.૭૩૦ વસુલવામાં આવે છે તે રૂ.૧ હજાર અથવા બમણો કરવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.
આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે નવા બજેટમાં રાજકોટવાસીઓ પર કરોડો રૂપિયાનો કરબોજ લાદવામાં આવશે. બજેટનું કદ બે હજાર કરોડ રૂપિયા આસપાસ રહેશે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે પણ બજેટલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને બજેટમાં શું મુકી શકાય તે માટે બુદ્ધિજીવીઓ પાસેથી સુચનો પણ મેળવાઈ રહ્યા છે.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી જ રેઢી સિકયોરીટી એજન્સીને ૧૫ હજારનો દંડ
મેઈન ગેટ પર બપોરે સિકયોરીટી ગાર્ડ ગેરહાજર જણાતા મ્યુનિ.કમિશનર લાલઘુમ
માલ-મિલકતના રક્ષણ માટે મહાપાલિકા સિકયોરીટી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જે ખર્ચ જાણે પાણીમાં જતો હોય તેવું લાગી રહ્યું છે. મેયર અને મ્યુનિ.કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જયાં બેસે છે તે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની હાલત રેઢા પટ જેવી છે. મેઈન ગેઈટ પર બપોરે સિકયોરીટી ગાર્ડ ગેરહાજર જણાતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની લાલઘુમ થઈ ગયા હતા અને જે.કે. સિકયોરીટીને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યો છે.
વિજિલન્સ શાખા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ ઝોન કચેરીના મેઈન ગેઈટ પર બપોરે ૨:૧૫ કલાકે સિકયોરીટી ગાર્ડ ગેરહાજર હોવાનું માલુમ પડયું હતું. આ માટે એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસનો જવાબ ગાહ્ય રાખવામાં આવ્યો ન હતો અને જે.કે.સિકયોરીટી એજન્સીને રૂ.૧૫ હજારનો દંડ ફટકારવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ હુકમ કર્યો હતો.