ચૂંટણી સંદર્ભે ૧૮ નોડલ અધિકારી તેમજ ૧૬૦ સેકટર મેજિસ્ટ્રેટની નિમણૂંક કરતા જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જે સંદર્ભે આગામી ૨૪મીથી કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીકટ લેવલ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ૧૮ નોડલ અધિકારી તેમજ ૧૬૦ સેકટર મેજિસ્ટ્રેટની નિમણૂંકના ઓર્ડર પણ કર્યા છે.
આગામી એપ્રિલ માસમાં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો બન્ને મુખ્ય પક્ષો દ્વારા ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણી સંદર્ભેની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી ૨૪મીથી ડિસ્ટ્રીકટ લેવલ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેવાનું છે. જેમાં ચૂંટણી સંદર્ભેની કરવાની થતી વિવિધ કામગીરી તેમજ ફરિયાદો લેવા સહિતની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ લોકસભા ચૂંટણી સંદર્ભે ૧૮ નોડલ અધિકારી અને ૧૬૦ સેકટર મેજિસ્ટ્રેટની નિમણૂંકના ઓર્ડર પણ કરી દીધા છે. વધુમાં રાજકોટ જિલ્લા ચૂંટણી શાખાની ટીમ ઉત્તરાખંડ ખાતેથી ૨૮૬૦ જેટલા નવા વીવીપેટ લઈ આવી છે. આ વીવીપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે તાજેતરમાં ૩૧ નાયબ મામલતદારની બદલીના ઓર્ડર કરી ૨૬ જેટલા નાયબ મામલતદારને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપી હતી.