આર.આર.રૈયાણી બન્યા મ્યુનિસિપલ કમિશનરના નવા ટેકનિકલ પી.એ
છેલ્લા ૧૦ વર્ષથી એક જ જગ્યા પર ચીપકેલા અને મહાપાલિકામાં સુપર કમિશનર તરીકેની છાપ ઉભી કરનાર મ્યુનિસિપલ કમિશનરના ટેકનિકલ પી.એ. જયેશ કુકડીયાની ગઈકાલે મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ૮ ડીઈઈ કક્ષાના અધિકારીઓની પણ બદલી કરાઈ છે. આર.આર.રૈયાણી મ્યુનિસિપલ કમિશનરના નવા ટેકનિકલ પી.એ. બન્યા છે.
વર્ષોથી કમિશનર વિભાગમાં પી.એ. ટુ કમિશનર (ટેકનિકલ)ની કામગીરી સંભાળતા જે. ડી. કુકડીયાની રાજકોટ રાજપથ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે. તાજેતરમાં મહાપાલિકાએ શહેરના વોર્ડ નં.૧૦માં બની રહેલા કોમ્યુનિટી હોલમાં ઈલેકટ્રીક કામ માટે પ્રસિઘ્ધ કરેલા ટેન્ડરમાં રિ-ટેન્ડરીંગ કરવાના સ્ટેન્ડિંગના નિર્ણય બાદ રૂ. ૧.૦૭ કરોડનો ફાયદો થતા આ ઘટના બાદ ટેકનિકલ પી.એ. જયેશ કુકડીયાની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત આર.આર.એલ.ના જનરલ મેનેજર આર.આર.રૈયાણીની બદલી કરાઈ છે. તેઓને મ્યુનિસિપલ કમિશનરના ટેકનિકલ પી.એ. બનાવવામાં આવ્યા છે. વોર્ડ નં.૭ના વોર્ડ એન્જીનીયર જી.જે.સુતરીયાની વોટર વર્કસ શાખા (પ્રોજેકટ) વિભાગ ખાતે, વોર્ડ નં.૧૫ના વોર્ડ એન્જીનીયર અને આજી રીવરફ્રન્ટમાં ડીઈઈની કામગીરી બજાવતા વી.પી.પટેલીયાની વોર્ડ નં.૭ના વોર્ડ એન્જીનીયર તરીકે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે એઈ તરીકે કામગીરી બજાવતા મહેશ રાઠોડની આવાસ યોજના (ટેક) ખાતે, વોર્ડ નં.૨ તથા રેસકોર્સ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં એઈ તરીકેની કામગીરી બજાવતા ભરત બેલાણીયાની વોર્ડ નં.૧૫ના વોર્ડના એન્જીનીયર તથા આજી રિવરફ્રન્ટના ડીઈઈ તરીકે, વોર્ડ નં.૧૬ના એઈ અતુલ રાવલની આર.એસ.સી.ડી.એલ. ખાતે જયારે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં એઈ તરીકેની ફરજ બજાવતા જયેશ પરમારની ડ્રેનેજ વિભાગમાં બદલી કરવામાં આવી છે.