“વાસ્તવિક જીવનમાં આવુ શક્ય જ નથી વાસ્તવિક જીંદગી; સમાજ વ્યવસ્થા અને કાયદો અરસ પરસ સંકળાયેલા છે !
સવારના દસ વાગ્યે ફોજદાર જયદેવ લાઠી પોલીસ સ્ટેશનમાં પોતાની ચેમ્બરમાં રાબેતા મુજબની કાર્યવાહી કરી ફાઈલો અને ટપાલો જોઈ રહ્યો હતો અને ટેલીફોનની રીંગ વાગી ફોન ઉપાડયો તો સામા છેડે ઈન્ટેલીજન્સ શાખાના જમાદાર સામંતસિંહ હતા તેમણે જણાવ્યા પ્રમાણે તેઓ કલાપી સીનેમા પાસે આવેલા એક મેડીકલ સ્ટોરમાંથી બોલી રહ્યા હતા છતા ફોનમાં માણસો બોલવાનો અવાજ અને દેકારો સંભળાતો હતો. સામંતસિંહે કહ્યું સાહેબ અહી બે યુનિફોર્મ ધારી જવાનોને મોકલો તો સારૂ આથી જયદેવે કહ્યું કે શું થયું છે? સામંતસિંહે હંસતા હંસતા કહ્યું કે આમ તો કાંઈ નથી પણ લગ્ન પ્રસંગે વિચિત્ર બબાલ છે. બાજુમાં આવેલ કોમ્યુનીટી હોલમાં લગ્ન પ્રસંગે જાન આવેલ છે. પણ જાનમાં ફકત એક વરરાજા જ આવેલ છે. એક ડ્રાઈવર સાથે છે. આ કન્યા મૂળ લાઠી ગામના પણ હાલ મુંબઈમાં રહેતા બીઝનેસમેન મીસ્ત્રીની છે. લાઠીના સગાવહાલાને મુંબઈ લાંબુ થવું ન પડે તે માટે મિસ્ત્રી કુટુંબ જ વતન લાઠી આવી ગયા છે. અને લગ્નનું અહીંજ આયોજન કરેલ છે.
પરંતુ જાનમાં વરરાજા સિવાય કોઈ સગુવહાલુ કે માતા પિતા પણ આવેલ નથી આથી લાઠી ક્ધયા પક્ષ વાળા વરરાજાને એકલાને કોમ્યુનીટી હોલમાં દાખલ થવા દેતા નથી. આ ભાવનગરથી આવેલી એકલા વરરાજાની જાનને તેઓ ક્ધયા પરણાવવા માંગતા જ નથી. અને જાનને લીલા તોરણે જ રવાના કરવાનું નકકી કર્યું હોય તે જાણીને વરરાજાએ જાહેર રોડ ઉપર જ ઉધામો મચાવી દીધો છે. અને મજનૂની માફક શેર શાયરી અને ફિલ્મના ગીતો ગાઈને બજારમાં જ તમાશો થાય તેવો માહોલ સજર્યો છે. લોકો પણ ઘણા એકઠા થયા છે.
જયદેવે વિચાર્યું કે બાબતતો કાંઈક ગંભીર છે. આ વરરાજા ને પરણ્યા વગર જ પાછુ વળવાનું થાય તો કદાચ લાગણીના આવેશમાં કાંઈક અઘટીત પગલુ પણ ભરી લે તેથી જીપ લઈને તુરત જ સ્થળ ઉપર આવ્યો.
સીનેમા રોડ ઉપર જતા જાહેર રોડ ઉપર જ જેમ ગામડામાં મદારીએ ખેલ નાખ્યો હોય અને વચ્ચે કુંડાળુ પડયું હોય તેને ફરતે લોકોનું ટોળુ હોય તે રીતે નો ત્યાં લોકોનો જમેલો જામેલો હતો. જયદેવે નજીક જઈને જોયું તો કોમ્યુનીટી હોલ નો દરવાજો બારી બારણા બધુ જ બંધ હતુ અને તેની સામે જ વરરાજો પલાઠી વાળી તલવાર લઈને બેઠો હતો. અને વરરાજો મોટે મોટેથી ફિલ્મ ગાયક કિશોરકુમારનું ગીત ગાતો હતો.
“પ્યાર કે ઈસ ખેલ મેં, દો દીલો કે મેલમેં…
તેરા પીછા ન છોડુંગા સોનીયે, ભેજ દે ચાહે જેલમેં…
પ્યારકે ઈસ ખેલ મેં…
પરંતુ પોલીસને આવેલી જોઈને તેનો રાગ ફરી ગયો અને કિશોરકુમારને પડતા મૂકી મુકેશનું ફિલ્મી ગીત ઉપાડયું.
“આવાઝ…દે કહાં હૈ… બરબાદ મેં યંહા હું…
આબાદ તું કહાં હૈ… દુનિયા મેરી જવા હૈ !..
જમાદાર સામંતસિંહે જયદેવને કહ્યું કે પોતે ક્ધયા પક્ષનો સંપર્ક કર્યો હતો. તેઓ કહે છેકે મુરતીયો રીઢો ગુનેગાર છે. આવા હલકટ વ્યકિત સાથે અમે અમારી દીકરી પરણાવવા માંગતા નથી.
આથી જયદેવ જાતે જ કોમ્યુનીટી હોલ ખોલાવી અંદર ગયો જોયું તો ત્યાં લગ્નની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી. સપ્તપદીના ફેરા માટે ચોરીનો માંડવો પણ શણગારી ને ઉભો કરી દીધો હતો. મહેમાનો છૂટા છવાયા સુનમુન બેઠા હતા જયદેવે કન્યાના પિતાને આ થયેલ બબાલ અંગે પુછયું તેથી તેમણે કહ્યું કે ‘સાહેબ વહેલી સવાર સુધી તો અમે પણ લગ્નની પૂરજોશ તૈયારીમાં જ હતા બૈરાઓ મંગલગીતો પણ ગાતા હતા પણ વરરાજાની જાન આવતા જોયું કે જાનમાં તો ફકત વરરાજા અને કારનો ડ્રાઈવર બે જણા છે.
તેથી અમને શંકા અને વહેમ પડતા મુરતીયાને કોમ્યુનીટી હોલમાં અંદર જ આવવા દીધો નહિ. અને ભાવનગર મુરતીયાના બાપાને ટેલીફોનથી પૂછયું કે આમ કેમ? પરંતુ તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહિ અને ગલ્લાતલ્લા કરવા લાગતા અમો એ ભાવનગરનાં અમારા બીજા દૂરના સગાને ટેલીફોન કરી પૂછપરછ કરતા તેઓ ઉલ્ટાના નવાઈ પામી ગયા કે મુરતીયો તો પોલીસ હવાલાતમાં છે. ત્યાં કેવી રીતે પહોચી ગયો? તેમણે કહ્યું કે મુરતીયાના નામ સાથે ફોટાઓ છેલ્લા દસ પંદર દિવસથી દરરોજ દૈનીક પત્રોમાં આવે છે. જેમાં રોજે રોજ નવી નવી કારો અને નવા નવા મોટર સાયકલો જુદી જુદી વ્યંકિત પાસેથી આમુરતીયાએ કાઢી આપ્યાના સમાચારો આવે છે. આ મુરતીયાએ છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન અડસઠ (૬૮) જેટલા જુદા જુદા મોટર સાયકલો અને આઠ મોટર કારો ચોરેલી અને બીજાને વેચી દીધેલી તે પોલીસે કબ્જે કરેલ છે અને તે હજુ ચોરીના ગુન્હામાં પોલીસ રીમાન્ડ ઉપર જ છે. આજે પણ જુઓ ‘સૌરાષ્ટ્ર સમાચાર’મા આ સમાચાર છે જ. આ વાત સાંભળીને તો મને આંખે અંધારા આવી ગયા. કોઈક લાઠી ગામમાં આવતું સૌરાષ્ટ્ર સમાચાર દૈનીક પત્ર ગોતી લાવ્યું રોજે રોજ મુરતીયાના નામ સાથે મુદામાલ અને પોલીસના ફોટા હતા આ મુરતીયા એ વાહન ચોરીનું મસમોટુ કાભાંડ કરેલું હતુ આથી સગા વહાલા તમામે ભેગા મળી નકકી કર્યું કે આવા હલકટ અને ચોરને દિકરી પરણાવાય નહિ કેમકે હવે તો તેનો એક પગ જેલમાં જ રહેવાનો.
જયદેવે કહ્યું તો તમે આવા ધંધાદારી માણસોએ ક્ધયાનો સંબંધ કરતી વખતે કાંઈ તપાસ કરેલી નહિ? આથી ક્ધયાના પિતાએ કહ્યું ‘સાહેબ સંબંધ તો એક મધ્મ વર્ગીય સજજન કુટૂંબમાં જ કર્યો હતો. મુરતીયો પણ ઓટોમોબાઈલનો સારો કારીગર હતો અને નાનુ સરખું સર્વીસ સ્ટેશન પણ ચલાવતો હતો અને મહેનત તથા હોંશીયારીની કમાણી કરતો હતો. કોઈ જાણી જોઈને આવા ચોર બેઈમાનને તો પોતાની કન્યા આપે જ નહિને? ત્યારે તો મુરતીયો બરાબર જ હતો.
જયદેવે જુના છાપા જોયા તો ખરેખર મુરતીયાને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડીને જુદા જુદા પ્રકારના અડસઠ મોટર સાયકલો અને આઠ મોટરકારો પણ ચોરેલી અને જેને સસ્તામાં વેચી મારેલી તેમને મુરતીયાએ જ ઓળખી બતાવી જે તે વાહનો કબ્જે કરાવેલ હતા.
જયદેવને પણ મનમાં શંકા થઈ કે આરોપી જો આટલી બધી ચોરીઓમાં સંડોવાયેલો હોય તો આટલા ટુંકા સમયમાં જામીન ઉપર છૂટે જ નહિ સામાન્ય રીતે આવા કિસ્સામાં આરોપીને જુદા જુદા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ વારાફરતી તેમની હવાલાતમાં રીમાન્ડ ઉપર લઈ જતા હોય છે. તો કયાંક આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસીને જ નથી આવ્યોને? આથી જયદેવે ગીતગાતા મુરતીયાને જ રોકીને આ બાબતે પુછતા તેણે કહ્યું ‘સાહેબ તમામ વાત સાચી પણ હું ભાગીને નથી આવ્યો રીમાન્ડ ઉપરથી પેરોલ રજા મેળવી કાયદેસર આવ્યો છું જયદેવને વળી શંકા ગઈ કે આ પણ નવાઈ છે કે જયુડીશીયલ કસ્ટડીમાં પેરોલ રજા મળે તેવું જાણ્યું છે પણ પોલીસ રીમાન્ડમાંથી કેવી રીતે પેરોલ રજા? આથી જયદેવે ભાવનગર ક્રાઈમ બ્રાંચમાં ફોન લગાડી પૂછપરછ કરતા ત્યાંથી જણાવ્યું કે ખરી વાત છે. કોર્ટે ખાસ કિસ્સામાં લગ્નનું મુહૂર્ત ચાલ્યું ન જાય તે માટે બચાવ પક્ષના વકીલે દલીલો કરી લગ્નની કંકોત્રી રજૂ કરતા કોર્ટે આરોપીની ત્રણ દિવસની પેરોલ રજા ખાસ હુકમ કરી રીમાન્ડ સસ્પેન્ડ કરી ને મંજૂર કરેલ છે. આ ત્રણ દિવસ પુરા થાય એટલે અમારે તુરત તેને પાછો રીમાન્ડ ઉપર લેવાનો જ છે. હજુ તેની તપાસ પૂછપરછ કાર્યવાહી બાકી જ છે.
જયદેવ પાછો કોમ્યુનીટી હોલની બહાર આવ્યો ત્યાં મુરતીયો ગીત ગાતો હતો કેમકે જાનડીઓ તો સાથે હતી નહિ અને પોતે હવે મૂરતીયો મટીને મજનૂ બની ગયો હતો અને નવરંગ ફિલ્મનું ગીત દર્દભર્યા સ્વરે ગાતો હતો.
‘તું છુપી હૈ કહાં મેં તડપતા યંહા… તું છુપી હૈ કહાં’
આમ હવે લાઠી પોલીસે આ પ્રકરણ બાબતે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી ન હોય તેથી મુરતીયાના પરાક્રમો અને માનસીકતા જોતા તેને જ જયદેવે કહ્યું કે વાણી અને વર્તન એવું રાખજે કે કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય બાકી અહી તારા કોઈ જામીન નહિ થાય! પોલીસ જવાનોને આ નાટક ચાલે ત્યાં સુધી બંદોબસ્તમાં રાખી તે પોલીસ સ્ટેશને રવાના થતો હતો ત્યાં મુરતીયાએ જયદેવને એક વખત કન્યાને મળવા દેવા માટે રજૂઆત કરી પણ જયદેવે કહ્યું આ બાબત તમારી અંગત છે. તેમાં પોલીસે કાંઈ કરવાનું રહેતુ નથી. અને તે રવાના થયો હજુ થોડે દૂર ગયો ત્યાં દૂરથી મૂરતીયો ગીત ગાતો સંભળાયો.
‘લે જાયેંગે લે જાયેંગે દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે’
જયદેવ જીપમાં જતા જતા મનમાં વિચારતો હતો કે ફિલ્મ નિર્માતાઓ મનોરંજન અને કમાણી માટે ફિલ્મોને રસીક બનાવવા માટે અતિશયોકતી ભરી કલ્પનાઓ વાર્તાઓમાં અને ગીતોમાં મશાલા રૂપે ઠાંસી ઠાંસીને ભરતા હોય છે. વાસ્તવમાં જીંદગી અને જીવન જુદા જ છે. આવી બાબતો શકય જ નથી. અને કોઈક બીના કે બાબત બને તો તે અવાસ્તવિક હોય લાંબુ ચાલતુ નથી કેમકે વાસ્તવીક જીંદગી, સમાજ વ્યવસ્થા અને કાયદો એવા અરસ પરસ સંકળાયેલા છે. કે તેમાં નૈતિક અધ:પતન, કે વાંકુ ચુકુ કે કાલ્પનીક અને ગેરકાયદેસર કોઈ વાત ચાલે જ નહિ અને શકય બને જ નહિ. પરંતુ આ વાત કે હકિકત જીવનના મૂલ્યો, શરમ, નિતિમત્તાનો કોઈ વિષય જઅભ્યાસક્રમમાં નથી આવતો. અને કોઈ સંસ્થા કે શિક્ષકોને પણ તે શિખવવાનો સમય પણ નથી. બસ ઉંચી ટકાવારી, પર્સન્ટાઈલની જ હરીફાઈ ચાલી રહી છે. પછી આ વાત આજની યુવા પેઢીને કોણ સમજાવે કે જીંદગીનો અમૂલ્ય ભાગ, યુવાનીનો સુવર્ણ સમય (પુરૂષાર્થનો) આવી કાલ્પનીક ફિલ્મી લીલાઓમાં વ્યર્થ વેડફે નહિ અને વાસ્તવીકતાનો સાચા રસ્તે પૂરૂષાર્થ કરી નાણા કમાઈ સાદુ પણ ઉચ્ચ આદર્શો વાળુ અને સમાજમાં સહકારમય શાંતિનું જીવન જીવવામાં જ મજા છે. અને તેનું સમાજનું અને દેશનું પણ હિત તેમાં જ સમાયેલું છે.
જયદેવે પોલીસ સ્ટેશનમાં આવિ પોતાનું કામકાજ ચાલુ કરી દીધું એકાદ કલાક પછી લાઠી ગામનાં ચાર પાંચ આગેવાનો સાથે કન્યાના પિતા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને જયદેવને વિનંતી કરી કે તમે આનો રસ્તો કાઢો. જયદેવે કહ્યું આ તમારી અંગત બાબત છે. આમાં પોલીસે કાંઈ કરવાનું રહેતુ નથી. કન્યાના પિતાએ કહ્યું કે સાહેબ અમે કન્યાને સમજાવી કે આ મુરતીયો મહાચોર છે. આની સાથે લગ્ન કરાય નહિ પણ ક્ધયા કહે છેકે હું છાપાની કે લોકોની વાત કેમ સાચી માનું? મને પોલીસ અધિકારી જાતે આવીને કહે તોજ તે વાત હું સાચી માનું તેથી તમે અમારા ઘેર અવી જે કાંઈ સત્ય છે તે કહો.
જયદેવ પાસે તો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી સાથે જે વાત કરી હતી તે સિવાય કોઈ હકિકત હતી નહિ છતા જયદેવે વિચાર્યું કે એક વિવાદ નો અંત આવતો હોય તો હોય અનેવરરાજા નું નાટક બંધ થતુ હોય તો ભાવનગર થયેલી ટેલીફોનની વાત કરવામાં કાંઈ ખોટુ નથી જેથી કોઈક નિવેડો આવી જાય તો જયદેવે જૂના દરબારગઢ વિસ્તારમાં મિસ્ત્રીના ઘેર આવ્યો ઘરમાં પ્રવેશતા જ કન્યાની માતા ચોધાર આંસુએ રડતી સામે આવી અને જયદેવને કહ્યું સાહબે જે કાંઈ સત્ય હોય તે મારી દિકરી ને જણાવી દયો એટલે અમે પાછા મુંબઈ જવા રવાના થઈએ.
કન્યાના માતા પિતા અને અન્ય બે પીઢ વડીલો જયદેવને લઈને એફ રૂમમાં આવ્યા રૂમમાં એક બાજૂ ક્ધયા નવવધૂનો શરગાર સજી મહેંદી મૂકેલી, સોનાના દાગીના પહેરેલા અને પૂરો શણગાર સજીને રડતી રડતી બેઠી હતી. ક્ધયાના પિતા એ જયદેવને કહ્યું સાહેબ આ મારી દીકરીજે કાંઈ સત્ય હોય તે તેને કહો ‘જયદેવે કહ્યું તમે પ્રશ્ર્નો પૂછો તેની જે સાચી માહિતી હશે તેહું કહીશ આથી ક્ધયાના પિતાએ પૂછયું કે ‘આ મૂરતીયો એ ખરેખર અડસઠ મોટર સાયકલ અને આઠ મોટર કારોની ચોરી કરીને બીજાને વેંચી દીધેલી તે અંગે પોલીસે તેને પકડી ને તે અંગે રીમાન્ડ ઉપર લીધેલ છે? અને હજુ પણ બે દિવસ પછી મુરતીયાને પોલીસ ઉપાડી લઈ જઈને રીમાન્ડ ઉપર લેવા ના છે? આ પ્રશ્ર્ન પૂછયો તે અને જયદેવ શૂં જવાબ આપે છે. તે સાંભળવા કન્યા આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. જયદેવે કહ્યું પહેલી વાત એ છે કે છાપામાં ફોટા સાથેના સમાચાર ખોટા તો ન જ હોય છતા મેં ભાવનગર પોલીસ સાથે ટેલીફોનથી વાત કરી તો તેમણે આ તમામ હકિકત સાચી હોવાનું અને બે દિવસ પછીપાછા મૂરતીયાને રીમાન્ડ ઉપર લેવાની વાત કરેલી છે. આ સાંભળીને કન્યાએ ધ્રુસ્કુ મૂકીને રડવાનું ચાલુ કર્યું અને તેની માતાને વળગીને રડવા લાગી.
થોડીવારે કન્યાએ જયદેવને વળી પુછયું કે તમે સાચુ જ કહો છો ને? જયદેવે હા પાડીને કહ્યું કે જો તારે મુરતીયાને રૂબરૂ મળી પૂછવું હોય તો પણ હું વ્યવસ્થા કરી દઉ. આથી કન્યાનાપિતા તુરત જ બોલ્યા ના સાહેબ એ નાલાયકનું હવે મોઢુ પણ નથી જોવું. પણ જયદેવને તો ક્ધયા નો જવાબ જોઈતો હતો. કન્યા નીચુ જોઈને રડતી હતી કાંઈ બોલી નહિ પણ તેની માતાએ કહ્યું સાહેબ આ નાલાયક મુરતીયાના મોઢે તે નાલાયક છે તે અમારે નથી સાંભળવું આથી જયદેવ ક્ધયાની તે અંગે મૂક સંમતી માની ને ઉભો થઈ રવાના થયો.
જયદેવને જીપમાં જ વિચાર આવ્યો કે એક વખત મુરતીયાની વાત તો સાંભળી લઉ તેથી જીપ કલાપી સીનેમા રોડ ઉપર લેવડાવી હજુ મુરતીયો હોલ સામે જ તલવાર લઈને પલાંઠી વાળીને બેઠો હતો. અને મુકેશનુંગીત ગાતો હતો.
‘હમને અપના સબ કુછ ખોયા
પ્યાર તેરા પાને કો…
છોડ દીયા કયું પ્યારને તેરે…
દર દર ભટકાને કો…
વો આંસુ જો બહે નહિ પાયે….
વો બાતે જો કહે નહિ પાયે…
દિલ મેં છુપાયે ફીરતે હૈ હમ…
ઘૂટકર મર જાને કો….’
રસ્તે આવતા જતા લોકો પણ તેની મજાક મસ્તી કરી હાંસી ઉડાવતા હતા કોઈ કહેતું હતુ કે મજનૂ છે તો કોઈ કહે રાંઝા છે. તો કોઈ કહેતુ કે આતો વિલન છે. ચોર ઠગ છે. તેના કર્યા કર્મ ભોગવે છે. વિગેરે બોલતા જતા હતા. પરંતુ જયદેવે મુરતીયાને ઉભો કરી પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવા જીપમાં બેસાડી દીધો.