અમદાવાદથી રૂ.૩૦ હજારમાં ડોકટરની બોગસ ડિગ્રી ખરીદ કરી ક્લિનિક શરૂ કર્યાની બોગસ ડોકટરની કબુલાત
રાજકોટમાં શ્યામ રાજાણી જેવા સેંકડો બોગસ ડોકટર કલીનીકના નામે હાટડા ખોલી દર્દીઓનાં જીવન સાતે ગંભીર ચેડા કરી રહ્યા છે. ભકિતનગર પોલીસે શનિવારે જંગલેશ્વરમાં ૧૦ વર્ષથી બોગસ ડિગ્રીના આધારે દવાખાનું ખોલીને સારવાર કરતા ધો.૧૦ પાસ ઘોડા ડોકટરને પોલીસે ઝડપી લીધો હતો. દવાખાનામાંથી ઈન્જેકશન, એલોપેથી દવાઓ અને બાટલાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. બોગસ તબીબે ૧૪ વર્ષ પહેલા અમદાવાદમાંથી ૩૦ હજારમાં બોગસ ડીગ્રી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે બોગસ તબીબના બે દિવસના રીમાન્ડ મેળવી તપાસ અમદાવાદ સુધી લંબાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં તવકકલ ચોકમાં ડોકટર રફીક અઝીઝભાઈ લીંગડીયા બોગસ ડીગ્રીના આધારે એક દસકાથી દર્દીઓની સારવાર કરતો હોવાની ભકિતનગર પોલીસને બાતમી મળી હતી એસપી પી.જી. જાડેજા પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ. ધાખડા, નિલેશભાઈ મકવાણા, દેવાભાઈ સહિતના સ્ટાફે દવાખાનામાં દરોડો પાડયો હતો.
પોલીસે દવાખાનામાં હાજર ડોકટર રફીક લીંગડીયા પાસે ડીગ્રી, સર્ટિફક્ષકેટ માગતા રફીકે બોર્ડ ઓફ ઈલેકટ્રો હોમિયોપેથીક મેડીસીનનું વર્ષ ૨૦૦૪નું અમદાવાદનું સર્ટીફીકેટ રજૂ કર્યું હતુ પોલીસે તપાસ કરતા સર્ટિફીકેટ શંકાસ્પદ જણાયું હતુ આકરી પુછપરછ કરતા ભાંગી પડેલ બોગસ તબીબે પોતે માત્ર ધો.૧૦ પાસ હોવાની કબુલાત આપી હતી દવાખાનામાથી ઈન્જેકશન, એલોપેથી દવાઓ અને બાટલાનો મોટો જથ્થો પોલીસે કબ્જે કયો હતો.
વિશેષ પૂછપરછમાં બોગસ ડોકટરે એવી કબુલાત આપી હતી કે તે અગાઉ વિધાનગર મેઈનરોડ પર એક ડોકટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરીકરતો હતો. ૧૪ વર્ષ પહેલા કીડનીની સારવાર, ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ગયો હતો.ત્યારે હોસ્પિટલમાં મળી ગયેલા એક શખ્સને ડોકટરની બોગસ ડીગ્રી માટે વાત કરી હતી અને તેની પાસેથી રૂપીયા ૩૦ હજારમાં બોગસ ડીગ્રી ખરીદી હતી. આ કબુલાતના આધારે બોગસ ડીગ્રી વેચતા અમદાવાદના શખ્સ સુધી પહોચવા પોલીસે બોગસ તબીબના બે દિવસના રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ શરૂ કરી છે.