ટેન્ડર પ્રસિઘ્ધ કરવાના અંતિમ દિવસે કોઈ એજન્સી ન આવતા ત્રીજી વાર પ્રયત્ન હાથ ધરવો પડે તેવી સંભાવના
રાજકોટના વિકાસ માટે બહુ ઉપયોગી એવા આજી રિવરફ્રન્ટ પ્રોજેકટનું કામ જાણે કયાં શુકને શરૂ કરવામાં આવ્યું છે કે કામ શરૂ થાય તે પહેલા જ ઘોંચમાં પડી જાય છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત પાઈપલાઈન, બોકસ ગટર સહિતના રૂ.૮.૧૭ કરોડના કામ માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં પ્રથમ પ્રયત્ને નિષ્ફળતા મળ્યા બાદ બીજા પ્રયત્નમાં પણ કોઈએ ટેન્ડર ભર્યું નથી.
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત રૂ.૮.૧૭ કરોડના ખર્ચે ઈન્ટર સેપ્ટરની કામગીરી હાથ ધરવાની છે જેમાં અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન, બોકસ ગટર, પ્રાયમરી ચેમ્બર, પ્લીન્થ સહિતનું બાંધકામ કરવાનું છે. આ માટે પ્રથમ વખત પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરમાં કોઈ એજન્સીએ રસ ન લેતા ગત ૧૦મી જાન્યુઆરીએ ફરી શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. આજે એક પણ એજન્સી ટેન્ડર સબમીટ કરાવ્યું નથી. આજી ડેમમાં પાઈપલાઈન અને બોકસ ગટરના કામ માટે બ્લાસ્ટીંગ કરવાનું હોવાના કારણે ટેન્ડર ભરવા માટે કોઈ રાજી ન હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.