તા.૯ થી ૧૩ ફેબ્રુ. દરમિયાન સૌ.યુનિ. અને મનપાના સંયુકત ઉપક્રમે આયોજન: મોટા ગજાના લેખકો, તજજ્ઞો હાજરી આપશે: વિવિધ વિષયો પર વિચાર–વિમર્શ અને વર્કશોપ યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આગામી તારીખ ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર એવા રાજકોટ ખાતે યોજાનાર આ બુક ફેરમાં મોટા ગજાના લેખકો વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, મહાનુભાવો, સાહિત્ય રસિકો, પુસ્તક પ્રેમીઓ અને વાંચનના શોખીનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ બુક ફેરમાં વિવિધ પુસ્તકો અને વિષયો પર વિચારવિમર્શ, સાહિત્ય સંવાદ, સાહિત્ય સંઘ્યા તથા સાહિત્ય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં પુસ્તક માહિતી કેન્દ્ર, પુસ્તકોના વેચાણના સ્ટોલ તેમજ ફુડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ બુક ફેર તથા લિટરેચર ફેસ્ટિવલમાં પુસ્તકોના સ્ટોલના બુકિંગ શરૂ થઈ ગયેલ છે અને સ્ટોલ બુકિંગ માટે નિલેષ સોની મો.૯૦૯૯૯ ૩૯૪૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ બુક ફેરમાં આશરે ૨૦૦થી વધુ વિવિધ વિષયોના પુસ્તકો જેવા કે વિજ્ઞાન, કલા, સાહિત્ય, ભાષા, ઈતિહાસ જેવા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ખાતે યોજાનાર આ બુક સ્ટોલ લિટરેચર ફેસ્ટિવલની આશરે બે લાખથી વધુ પુસ્તક પ્રેમીઓ મુલાકાત લેનાર છે.
આ બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો જેવા કે પત્રકારત્વ, કાવ્યલેખન, સોશિયલ મીડિયા તેમજ શોર્ટ ફિલ્મ મેકિંગ અંગેના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના વકતવ્યો યોજાશે. આ ભવ્ય બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રની જાહેર જનતા, શિક્ષણવિદો, વાંચનના શોખીનો તેમજ જ્ઞાનના ઉપાસકોને ખાસ જાહેર આમંત્રણ અને અનુરોધ છે.