સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે સવારે ૯ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ: ૨૦થી વધુ બુથ ઉભા કરાયા: ૬૦થી વધુનો સ્ટાફ તૈનાત
વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે જંગ: ચેમ્બરનું સુકાન કોણ સંભાળશે તેનો કાલે ફેંસલો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આજે ચુંટણી છે. જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે સવારે ૯ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ૨૦થી વધુ બુથ પર ચેમ્બરના સભ્યો મતદાન કરી રહ્યા છે. ચુંટણી પ્રક્રિયા માટે કુલ ૬૦થી વધુ લોકો નો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આ ચુંટણીમાં વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે સીધો જંગ છે. આ બંને પેનલમાંથી ચેમ્બરનું શુકાન કોણ સંભાળશે તેનો ફેંસલો આવતીકાલે પરીણામ વખતે થવા પામશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિના સભ્યોની ૩ વર્ષની ટર્મ પૂર્ણ થતા આવનાર ૩ વર્ષ માટે કારોબારી સમિતિની નિમણુક અર્થે આજે ચુંટણી યોજવામાં આવી છે. આજરોજ સવારે ૯ વાગ્યાથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચેમ્બરના સભ્યો મત આપી રહ્યા છે. ચેમ્બરના કુલ ૪૫૯૨ જેટલા સભ્યો છે આ સભ્યો વધુમાં વધુ ૨૪ અને ઓછામાં ઓછા ૧૮ મત આપી શકવાના છે.
આજે સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે. બાદમાં આવતીકાલે મતગણતરી હાથ ધરીને પરીણામ જાહેર કરવામાં આવનાર છે. આ ચુંટણીમાં વાયબ્રન્ટ પેનલ અને મહાજન પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું શુકાન કોણ સંભાળશે તેનો ફેંસલો આવતીકાલે થવાનો છે. આજે મતદાન વેળાએ સવારે વાયબ્રન્ટ પેનલના વડા વી.પી.વૈષ્ણવ તેમજ મહાજન પેનલના વડા સમીરભાઈ શાહે મતદાન કર્યું હતું. આ ઉપરાંત હિતેશભાઈ સાતાએ પણ મતદાન કર્યું હતું.