પાટનગર દિલ્હીમાં વધુ પડતું નાઇટ્રોજન ઓક્સાઇડ છોડવાના કારણે હવામાં પ્રદુષણ ફેલાવવા અને આરોગ્યને નુકસાન પહોંચાડવાના કારણે જર્મન કાર ઉત્પાદક કંપની ફોક્સવેગન પરNGT દ્વારા બનાવવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ રૂ.૧૭૧.૩૪ કરોડના દંડની ભલામણ કરી હતી. પોતાના અહેવાલમાં સમિતિએ વર્ષ ૨૦૧૬માં દિલ્હીમાં ફોક્સવેગનના વાહનોમાંથી અંદાજીત ૪૮.૬૭૮ ટન NOx છોડવામાં આવ્યો હોવાનો દાવો કરેલો.
‘ફોક્સવેગન ગ્રુપના વાહનોમાંથી નીકળતાં વધારાના નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે દિલ્હી જેવા મેટ્રો શહેરના નાગરિકોના આરોગ્યને થયેલા નુકસાનનો અંદાજ રૂપિયા ૧૭૧.૩૪ કરોડનો થાયો છે.ભારતમાં પર્યાવરણ પર નાઇટ્રોજન ઓક્સાઇડની કુલ અસરને ગણવા માટે કોઇ પધ્ધતી નહીં હોવાના કારણે અંદાજીત મૂલ્ય નક્કી કરાયું હતું અને એટલા માટે માત્ર આરોગ્યને થતાં નુકસાનને જ ધ્યાનમાં લેવાયું હતું’એમ સમિતિએ કહ્યું હતું.
સમિતિએ અહેવાલમાં વધુમાં લખ્યું હતું કે ‘દિલ્હી શહેરમાં છોડાતા નાઇટ્રોજન ઓક્સાઇડની માત્રા ૪૩૫ ટનના મૂલ્યની ગણી હોવાથી દિલ્હી માટે જ આ ગણતરી કરાઇ હતી.ભૌગોલિક સ્થળોની અને ફોક્સવેગરનના વાહનો ક્યાં ક્યાં ચલાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતીના અભાવે માત્ર અંદાજ જ કાઢવામાં આવ્યો હતો.
જેટલા વર્ષ સુધી આ કાર શહેરમાં ચલાવવામાં આવી હતી તેની ગણતરી કરીને આ રકમ ફિક્સ્ડ કરવામાં આવી હતી’. ઉલ્લેખનીય છે કે નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે જે ઘુમાડો પેદા થાય છે તેની સીધી અસર હૃદય અને ફેંફસા પર થાય છે. ગયા વર્ષે ૧૬ નવેમ્બરે ચાર સભ્યોની સમિતિની રચના કરાઇ હતી જેણે પોતાનો અહેવાલ NGTને સુપ્રત કર્યો હતો.