‘ધોની કા જવાબ નહીં !!!’
મેચ જીતવાનો શ્રેય વિરાટ કોહલીએ ધોનીને આપ્યો
ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતે ૬ વિકેટથી ઓસ્ટ્રેલીયાને પરાજય આપ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને બિરદાવ્યો હતો અને જીતનો શ્રેય ધોનીને આપ્યો હતો. મેચની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર ફટકારેલ સીકસ ખુબજ ઐતિહાસિક નિવડી હતી.
કારણ કે, ધોનીએ વન-ડેમાં ૪૬ મહિના બાદ મેચની છેલ્લી ઓવરમાં સીકસર ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
કયાંક વિરાટ કોહલી બીજો ઓડીઆઈ જીતવા અસક્ષમ સાબીત થાત જો ધોની અને દિનેશ કાર્તિક વચ્ચેની ભાગીદારી મહત્વપૂર્ણ નિવડી ન હોત તો. ઘણા સમય પછી જાણે ધોનીનું બેટ બોલ્યું હોય તેવું વાતાવરણ ઉદ્ભવીત થયું હતું. ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્રસિંહ ધોની એક સારો ફીનીશર તરીકે માનવામાં આવે છે અને તે વાતને તેને સાર્થક પણ કરી હતી.
વધુમાં જો વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની બાદ બીજા સફળ ફીનીશર તરીકે દિનેશ કાર્તિકનું પણ નામ સામે આવી રહ્યું છે અને તેને તે ભૂમિકા માટે સજ્જ કરવા ટીમ મેનેજમેન્ટ કાર્તિક પાછળ અનેકવિધ પ્રકારની તાલીમ આપી રહી છે.
ભારતે એડિલેડ વન-ડેમાં ઓસ્ટ્રેલીયાને ૬ વિકેટે પરાજય આપ્યો હતો અને ૩ મેચની સીરીઝ ૧-૧થી બરાબર પણ કરી હતી. ત્યારે મેચ વિશે વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લઈ ૨૯૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ પોતાના વન-ડે કેરીયરની ૩૯મી સેન્ચ્યુરી અને ભૂતપૂર્વ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની અનુભવસભર ઈનીંગને લઈ મેચના ચાર બોલ બાકી હતા ત્યારે ૨૯૯ રન બનાવી જીત હાંસલ કરી હતી.