ડેબીટ-ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાના બહાને બેંકમાંથી આવતા ફ્રોડ ફોન કોલ્સથી ચેતજો
આજે લોકો ઓનલાઈન બેન્કિંગ અને ટ્રાન્ઝેકશન તરફ વળ્યા છે ત્યારે ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ એસએમએસ ઉપર લોકો ભરોસો રાખે છે કે, આ એક ટુ-ફેકટર ઓથેન્ટીકેશન છે જે ખૂબજ સુરક્ષીત છે. પરંતુ હેકરો આ જ ઓટીપીની ચોરી કરીને ઓનલાઈન બેન્કિંગ સ્કેમ કરતા હોય છે.
જો કે, ઓટીપી હેક કરવો સરળ નથી પરંતુ કેટલાક આઈટી માફીયાઓ લોકોના બેંક એકાઉન્ટ નાણા ખંખેરવા કરોડોના ખેલ રમી જાય છે. હેકરો ટેકનોલોજીના ઉપયોગથી કેટલીક ચપળતાપૂર્વક તમારા નાણા બેંક એકાઉન્ટમાંથી સેરવી જાય છે અને તેને ટ્રેસ કરી શકાય તેવા કોઈ પણ સંકેતો પણ છોડતા નથી. કોઈપણ ઓનલાઈન ટ્રાન્સફર માટે ઓટીપીની જરૂર પડતી હોય છે. માટે હેકરો ઓટીપીની ચોરી કરીને અજાણ્યા ટ્રાન્ઝેકશનો માટે તેમને એકસેસ મેળવી લે છે.
કેટલીક વખત હેકરો બેંક એમ્પલોય હોવાનું કહી કોલ સેન્ટરે બેઠા બેઠા તમારા ઓટીપી મેળવવાનો પ્રયાસ કરે છે અથવા ફોન ઉપર મેસેજ કરીને લોકોને ગેરમાર્ગે દોરી પણ પ્લાન્ટીંગ મેલવેર દ્વારા તેઓ ખોટા મેસેજ મોકલી ઓટીપીની ચોરી કરી શકે છે. જો તમને કયારેય બેંકમાંથી ફોન આવે કે તમારા ઓટીપીની માહિતી જોઈએ છે તો આ પ્રકારના ફેક કોલનો કયારેય પણ જવાબ આપવો નહીં કારણ કે બેંકના કર્મચારીઓ કયારેય પણ કોઈને ઓટીપી જેવી તો શું ચેક જેવી બાબતે પણ ફોન કરતા નથી. બેંક જેવી અધિકૃત સંસ્થાના ટ્રાન્જેકશનોની નોટિસ ઔપચારીક રીતે જ મોકલવામાં આવે છે.નવા વર્ષમાં બેંકોએ જાહેર કર્યું કે, એટીએમ કાર્ડમાં માત્ર સ્માર્ટ ચીપવાળા જ કાર્ડો માન્ય રહેશે ત્યારબાદ ફેક કોલ સેન્ટરોમાંથી બેંક કર્મચારી બોલી રહ્યાંના ફોન કોલ્સ દેશમાં કેટલાક મોબાઈલ ઉપભોગતાઓને કરવામાં આવ્યા જેમાં તેને પોતાનું કાર્ડ પૂરું થઈ રહ્યાં હોવાથી તેને અપડેટ કરવા અંગે ઓટીપીની ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી રીતે હેકરો લાખો નહીં પરંતુ કરોડોની રમતો માત્ર ઓટીપી મારફતે રમી રહ્યાં છે.
હેકરો માલવેર સોફટવેર ૧૩/૧૫ના માધ્યમથી ફ્રોડ કરીને લોકોને ઓટીપી પોતાના સોફટવેરમાં માત્ર ૧ થી ૨ વેરીફીકેશન દ્વારા સહેલાઈથી મેળવી શકે છે. જયારે તેમના ફોનમાં સામેવાળાનો ઓટીપી મળી જાય છે ત્યારે તેઓ સહેલાઈથી તમારા ખાતામાંથી તમામ રૂપિયા આસાનીથી સરકાવી શકે છે. આ ટ્રીક મારફતે હેકરોએ કરોડોના નાણા લોકોના બેંક એકાઉન્ટમાંથી ઉઠાંતરી કર્યા છે.ફ્રોડ કરવાની હેકરોની નવી સ્કીમથી અભણ તો ઠીક પરંતુ કેટલાક શિક્ષીત લોકો પણ આ સ્કીમમાં ફસાયા છે તો જો જો તમારા ઓટીપી કોઈપણ માંગે તો આપતા પહેલા સો વખત વિચારજો.