સવર્ણોને શિક્ષણ અને નોકરી ક્ષેત્રે આર્થિક ધોરણે અનામતનો લાભ મળી શકશે: પરીક્ષા ન લેવાઇ હોય તેવી ભરતી પ્રક્રિયા અટકાવી દેવાય
ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો સૌ પ્રથમ ગુજરાત રાજયમાં અમલ શરુ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગઇકાલથી જ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે પરીક્ષા ન લેવાઇ હોય તેવી ભરતી પ્રક્રિયાને અટકાવી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. આ બીલ પર રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલથી જ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિયમની અમલવારી શરુ કરાવી દીધી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે મકર સંક્રાંતિથી રાજયમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક નબળા વર્ગેને ૧૦ ટકા અનામતનો લાભ મળતો થશે. રાજયમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઇ તબકકાની પ્રક્રિયા શરુ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે.
આ ભરતી અને પ્રવેશ હાલ સ્થગીત રાખીને તેમાં પણ ૧૦ ટકા અનામતનો લાભ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે બીન અનામતને ૧૦ ટકા અનામત આપવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
તેનો સૌ પ્રથમ અમલ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે. રાજય સરકારનું કહેવું છે કે દેશના બંધારણના માર્ગદર્શક સિઘ્ધાંતોના આર્ટિકલ ૧૫ અને આર્ટિકલ ૧૬માં સુધારો કરીને એસ.સી. એસ.સી. એઇબીસી જાતીઓની સાથે આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતી બીનઅનામત જાતીઓનો ઉમેરો કરીને તેમને પણ અનામતનો કેન્દ્ર સરકારે બંધારણીય અધિકાર આપ્યો છે. બંધારણમાં મુળભૂત અધિકારીમાં કરાયેલા આ સુધારાને લીધે કેન્દ્ર સ્તરે ૧૦ ટકા સુધી અનામત દાખલ કરવાની ભારત સરકારને અને રાજય સ્તરે પણ ૧૦ ટકા સુધી અનામત દાખલ કરવાની સતા રાજય સરકારને મળે છે.
રાજય સરકાર દ્વારા બીનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત આપવાની અમલવારી શરુ કરી દેવામાં આવી છે. જેમની વાર્ષિક આવક રૂ ૮ લાખથી ઓછી હોય, રૂ પ લાખથી ઓછા મુલ્યની ખેતીની જમીન હોય, ૧ હજાર ચો.ફુટથી નાનુ માલીકીનું આવાસ હોય નિગમની ૧૦૯ ગજથી ઓછી સંપાાદિત જમીન હોય, ૨૦૯ ગજથી ઓછી નિગમની બીન સંપાદીત જમીન હોય તેવા પરીવારોને ૧૦ ટકા અનામતનો લાભ મળશે.