આપણો દેશ લોકસભાની આગામી ચૂંટણીના પ્રચારથી ધમધમતો થયો છે. આપણો દેશ પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચે છે. કેટલા કરોડ તે પૂછી શકાય તેમ નથી, ને સાચો જવાબ મળી શકે તેમ નથી ? કારણ કે આપણા દેશમાં ચૂંટણી પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો થાય છે. એ વાત હવે કોઈથી અજાણી નથી.
આપણા દેશમાં જેટલી સરકારો છે, તે બધી તેમના માહિતી ખાતાં છે. એમનું કાર્ય માહિતી આપવાનું હોવું જોઈએ. સરકારે અને તેનાં વહીવટી તંત્રે કરેલી કામગીરીઓ વિષે પ્રજાને માહિતી આપવાનો તથા પ્રજાહિતની કામગીરીઓ વિષે પ્રજાને માહિતગાર કરવાનો ધર્મ તેમણે બજાવવાનો છે. આ માહિતીઓ ખોટી કે બનાવટી ન જ હોવી જોઈએ. દંભી અને છેતરામણી પણ ન હોવી જોઈએ.
સરકારના માહિતી ખાતાંઓ અખબારો પ્રચાર માધ્યોમ, હોર્ડિગ્સ વગેરેમાં સરકારના તથા પ્રધાનોના પ્રચાર માટે તેમજ તેમની વાહવાહ-પ્રશસ્તિ માટે દરરોજ યાદીઓ, તસ્વીરો વગેરેના ઢગલા કરે છે. જુદા જુદા સાધનો દ્વારા અને જુદી જુદી રીતો અપનાવીને એકના એક સમાચાર એકથી વધુ વખત મોકલ્યા કરે છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ તેમ આવી યાદીઓ તથા તસ્વીરોની સંખ્યામાં વધારો થતો જ જાય છે. કેટલીક જાહેરાતો પણ પ્રજાનાં નાણાં બેફામ દુર્વ્યયમાં જ પરિણમે છે. કારણ કે માહિતી ખાતા દ્વારા સરકારી કામગીરીઓને લગતી અને તેની પ્રશસ્તિ કરતી યાદીઓની ૫૦ ટકા જેટલી પણ પ્રગટ થતી નથી!
નાણાંના આટલા દુર્વ્યયમાં કેટલા બધા ગરીબોના પેટ ભરાઈ જાય અને અર્ધનગ્ન ગરીબ સ્ત્રીઓના દેહ ઢંકાઈ જાય !
ગરીબોને રોટલો મળે અને ગરીબોની જુવાન વહુ દીકરીઓના દેહ ઢંકાઈ જાય એમાં સત્તાધીશોને કેમ રૂચિ જાગતી નથી એવો સવાલ પૂછાતો રહ્યો છે. અને જવાબ એકનો એક મળે છે કે જેમના હાથમાં છે. તેમને તેમની અણહકકની કમાણીનો નાનો સરખો ભાગ પણ અન્ય કોઈને પણ જવા દેવો નથી નો તેમની પ્રશસ્તિ જેમનીતેમ ચાલુ રાખવી છે!
એક એવી ટકોર પણ થઈ રહી છેકે રામચંદ્રજીએ ‘રામરાજય’ અંગે કયારેય પ્રચાર કરાવ્યો નહોતો.
રામરાજયમાં ગુપ્તચર તંત્ર હોવાનો નિર્દેશ સાંપડે છે, પણ રામચંદ્રજીના કે‘રામરાજય’ના પ્રચાર અર્થેકોઈ ખાતું રાખ્યું નહોતું કે એમના માહિતી ખાતા જેવા કોઈ ખાતાની જરૂર પડી નહોતી. રામાવતાર વખતના ઈતિહાસમાં આવું કશું જાણી શકાયું નથી.
રાજાના હુકમ વિષેની માહિતી દાંડી પીટીને લોકાને અપાતી હતી.
રામચંદ્રજીએ રાવણ જેવા અસુરને પરાજિત કર્યો અને રણમાં રોળ્યો તેવી યશસ્વી ઘટના અંગે પણ તેમણે તેમની બહાદૂરી અને શુરતાના ઢોલ પીટાવ્યા નહોતા કે ભાષણખોરી આચરી નહોતી.
મહાત્મા ગાંધીજીએ નવજીવન ચલાવ્યુંં હતુ પણ તેમાં દેશ વિદેશના જ અહેવાલો પ્રગટ કર્યા હતા. પણ પોતાની વાહવાહ નહોતી કરાવી.
તેમણે તો એવો મંત્ર આપ્યો હતો કે, ‘ઓછામાં ઓછી જરૂરતવાળું જીવન તે શ્રેષ્ઠ જીવન અને ઓછામાં ઓછા કાગળોવાળુ તંત્ર તે શ્રેષ્ઠ તંત્ર.’
આજે આપણા દેશમાં ચૂંટણી પ્રચારમાં મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચાર ધારાને લગભગ નેવે મૂકાયા છે. ગાંધીજીના નામ હેઠળ જબરાં ષડયંત્રો આચરાઈ રહ્યા છે. પ્રજાને ભરમાવવા અને ઠગવા માટે ગાંધીજીના ધર્મ-કર્મને વટાવાઈ રહ્યા છે.
કોઈપણ સામાજીક હિતોલક્ષી તથા માનવસેવાલક્ષી સારા કાર્યોની માહિતી પ્રજાને મળે તે સારૂ જ છે. અને બેશક જરૂરી છે. એના માટે ખર્ચ કરવામાં આવે તે પણ યોગ્ય છે. અને ઉપકારક છે. પરંતુ અત્યારે તમામ રાજકીય પક્ષો નિજી સ્વાર્થ માટે પ્રજાના અબજો રૂપિયાનો ગુનાહિત ધુમાડો કરે છે.તેમાં અધાર્મિકતાના પ્રદર્શનનો કોઈ પાર રહ્યો નથી.
ચૂંટણીની તેજસ્વિતા અને દેવતાઈનો સમૂળગો લોપ થયો છે. ‘લોકશાહી’ના હાથ પગને કાપી નખાયા હોવાનું, અને જીભને તેમજ જીસ્મને લોહીલોહાણ કરી મૂકાયા હોવાનું કદરૂપું દ્રશ્ય નજર સામે ખડું થાય છે! પ્રજા આ બધું જોઈને ઓબકાય છે. એમ કહેવામાં લગીરે અતિષયોકિત નથી.