ગોંડલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ
સમાજના છેવાડાનાં માનવીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ રીતે આગળ વધી રહી છે. અને તે માટે સરકારે અનેકવિધ સંવેદનાસભર કલ્યાણકારી નિર્ણયો લીધા છે. તેમ ગોંડલ ખાતે શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે રાજય સરકાર સમાજના નબળા વર્ગનાં ઉત્થાન માટે તબકકાવાર પગલાભરી રહી છે. જેમ કે ગરીબ પરિવારને લગ્ન સમારોહ માટે રાહત દરે એસ.ટી. ફાળવવામાંઆવે છે. અને માર્ગ અકસ્માત થાય તો અકસ્માતનો ભોગ બનનાર કોઈ પણ ગુજરાતનાં નાગરીકને રૂ.૫૦ હજારનો ખર્ચ રાજય સરકાર ભોગવી રહી છે. જે તમામ લોકોને માટે રાહતરૂપ બની રહેલ છે. લોકોના આરોગ્ય અને તબીબી સેવાની ચિંતા કરી રાજય સરકાર દ્વારા લોકોના હિતાર્થે રૂ.૧૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે દેશના તમામ લોકોને પોતાનું ઘરનું ઘર હોય તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર હોય તે માટે વિવિધ આવાસ યોજના અમલમાં મૂકેલ છે.
રાજયમાં ૪૦૦થી વધારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી આ સરકાર ખરા અર્થમાં આમ લોકોની સરકાર છે. તેની પ્રતિતિ લોકોને થઈ રહી છે. વિશેષમાં રાજયના સર્વાંગી વિકાસાર્થે તમામ સમાજના લોકો શિક્ષીત બને તેવું આ તકે મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતુ.
રાજયનાં પાણી પુરવઠ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, સમાજમાં સા સહિયારા પુરૂષાર્થથી સમાજનો સર્વાંગી વિકાસ કરવા સંકલ્પબધ્ધ થવાનું છે તે માટે શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. અને આપણે કુરીવાજોને કાયમી તિલાંજલી આપવાની છે. અને તે માટે શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરવાનું છે. આ તકે મંત્રીએ માંધાતા પ્રાગટયની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
સમારોહમા પ્રાસંગીક ઉદબોધન કરતા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે, સમાજએ સંગઠિત થઈને આપણે આપણો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સમાજ અગ્રણી કાળુભાઈ ડાભી, અગ્રણી જયંતિભાઈ ઢોલ, કલાકાર કિરણકુમાર, ખોડાભાઈ ખસીયા, ભુપતભાઈ ડાભી વગેરેએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા.
અક્ષરમંદિરમાં શિશ ઝૂકાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટ જિલ્લાના ગોડલની એક દિવસની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિધ્ધ તિર્થધામ અક્ષરપૂરૂષોતમ મંદિરની દર્શનાર્થે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ અક્ષરડેરીના દર્શન કર્યા હતા. અને મકરસંક્રાંતીના પવિત્ર દિવસે ગુજરાતનાં વિકાસની મંગલ કામના કરી હતી. આ પ્રસંગે અક્ષરમંદિરના સંતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતુ.