યુવકોને ફસાવતી મહિલા અને યુવક કારખાનેદારની હત્યામાં છુટી લૂંટ ચલાવી: મોબાઇલ લોકેશનના આધારે શાપર પોલીસે ચારેયને દબોચી લીધા: નોકરી મેળવવાના બહાને યુવકનો મોબાઇલ નંબર મેળવ્યાની કબૂલાત
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ગોપાલ પાર્કના પટેલ યુવાનને શાપરમાં એકાંત માણવા બોલાવી લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત ચારને શાપર પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ઝડપી ભેદ ઉકેલ્યો છે. લૂંટના ગુનામાં ઝડપાયેલી મહિલા અને તેનો સાગરીત અગાઉ શાપરમાં કારખાનેદારની હત્યામાં લાંબો સમય જેલવાસ ભોગવ્યા બાદ છુટીને લૂંટ ચલાવ્યાની બહાર આવ્યું છે. ચારેયને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોપાલ પાર્કમાં રહેતા જીતેન્દ્ર છગનભાઇ સગપરીયા નામના પટેલ યુવાનને ગત તા.૧૧માં નેહા નામની યુવતીનો ફોન આવ્યો હતો. તેને શાપરની અનોમલો સોસાયટીમાં એકાંત માણવા બોલાવ્યો હતો. જીતેન્દ્ર સગપરીયા રાત્રે નવેક વાગે અમનોલ સોસાયટીમાં નેહાને મળ્યો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો એક બાઇક પર ઘસી આવ્યા હતા અને અમારી બહેનને તું કેમ અડપલા કરે છે કહી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી દઇ ‚ા.૩ લાખ માગ્યા હતા પરંતુ જીતેન્દ્ર સગપરીયાએ પોતાની પાસે આટલી રકમની સગવડ થઇ શકે તેમ ન હોવાથી ‚ા.૫૦ હજાર આપવાનું નક્કી કર્યા બાદ ત્રણેય શખ્સોએ ખિસ્સામાંથી આધાર કાર્ડ, એટીએમ અને ‚ા.૫ હજાર રોકડા કાઢી લીધા બાદ બાકીની રકમ આપીને એટીએમ અને આધાર કાર્ડ લઇ જવાનું કહી ચારેય ભાગી ગયા હતા.
જીતેન્દ્ર સગપરીયાને ત્રણેય શખ્સોએ માર માર્યો હોવાથી શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. અરવિંદસિંહ જાડેજા અને ઉપેન્દ્રસિંહ સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશનના આધારે લૂંટના ગુનામાં સંડોવાયેલા મુળ જસદણની વતની અને શાપરની અનમોલ સોસાયટીમાં રહેતા વિધવા ગાયત્રી ઉર્ફે નેહા હંસરાજ સખીયા, રાહુલ બટુક હીરપરા, જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવિણ માંડલીક અને કાળુ હરી સોલંકી નામના શખ્સોને ઝડપી લીધા હતા.
ચારેયની પૂછપરછ દરમિયાન તેની પાસેથી એટીએમ કાર્ડ અને આધાર કાર્ડ મળી આવ્યા હતા. થોડા દિવસ પહેલાં ગાયત્રી ઉર્ફે નેહા સખીયા કારખાને નોકરી મેળવવાના બહાને ગઇ હતી ત્યારે જીતેન્દ્ર સગપરીયાના મોબાઇલ નંબર મેળવી લીધા બાદ રાહુલ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની અને અગાઉ જયેશ ઉર્ફે ઢીંગલી અને ગાયત્રી ઉર્ફે નેહા શાપરના ઉદ્યોગપતિ ધી‚ભાઇ વોરાની હત્યામાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ગાયત્રી ઉર્ફે નેહા સખીયાએ પ્રેમ લગ્ન કરતા પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા હતા. તેણીના પતિના અવસાન બાદ બે સંતાનની માતા ગાયત્રી ઉર્ફે નેહા ગુનાખોરીના રવાડે ચડી હોવાનું બહાર આવ્યું છે. યુવકોને એકાંત માણવાની લાલચ દઇ લૂંટ ચલાવતી ટોળકીનો અનેક ભોગ બન્યા છે પરંતુ આબ‚ જવાની બીકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા હોવાનું જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે જણાવ્યું હતું. ચારેય શખ્સો પાસેથી લૂંટનો મુદામાલ કબ્જે કરવા અને અન્ય ગુનામાં સંડોવાયા છે કે કેમ તે અંગે તપાસ કરવા રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.