ગોધરાકાંડ-પછીના કહેવાતા એન્કાઉન્ટરમાં રાજકારણીઓ સહિત પોલીસ અધિકારીઓને જસ્ટીસ બેદીની ક્લિનચીટ
ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા ૧૮ એન્કાઉન્ટર કેસોમાંથી માત્ર ૩ જ બોગસ હોવાનું અને તેમાંથી ૧૭ કેસોમાં રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી ન હોવાનો જસ્ટીસ બેટીએ તેમના આખરી રીપોર્ટમાં જણાવ્યું છે નરેન્દ્રભાઈ મોદી જયારે રાજયના મુખ્યમંત્રી અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી હતા તે દરમ્યાન વર્ષ ૨૦૦૨-૨૦૦૭ વચ્ચે રાજયમા ૧૮ પોલીસ એન્કાઉન્ટરો થયા હતા આ એન્કાઉન્ટરો બોગસ હોવાના ‘તહેલકા’એ કરેલા સ્ટીમ ઓપરેશનમાં આક્ષેપો થયા હતા જેથી, તાત્કાલીન રાજય સરકાર દ્વારા આ આક્ષેપોની તપાસ કરવા જસ્ટીસ એચ.એસ. બેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
જસ્ટીસ બેદીએ સોંપેલા ૨૨૧ પાનાના આખરી રીપોર્ટમાં જણાવ્યું છે કે ૧૮ એન્કાઉન્ટરોમાંથી ૧૫ એન્કાઉન્ટર કેસો અસલી એટલે કે સચા છે.જેથી તેમાં કોઈ પણ પગલા લેવાની કે કાર્યવાહી કરવાની જરૂરત નથી. જયારે ત્રણ એન્કાઉન્ટર કેસો ‘ફેક’ એટલે કે બોગસ છે તેમાં સંડોવાયેલા નવ પોલીસ અધિકારીઓ સામે હત્યા કરવાના આરોપસર કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. જે ત્રણ એન્કાઉન્ટર કેસોને જસ્ટીસ બેદીએ ફેક માન્યા છે. તેમાં અમદાવાદના ગેગસ્ટર સમીર ખાન કેસ, કાસીમ જાફર કેસ અને ઉંમરગામમાં થયેલા હાજી ઈસ્માઈલ કેસને બોગસ હોવાની શંકા વ્યકત કરી હતી.
નિવૃત જસ્ટીસ બેદીએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું હતુ કે આ ૧૮ એન્કાઉન્ટર કેસોની મને જે શંકાસ્પદોના નામો આપવામાં આવ્યા છે. તેમની પાસેની સત્ય હકિકત કઢાવવા માટે મારી પાસે પૂરતી સત્તા નથી. કારણ કે મારો આદેશ મર્યાદીત છે જે જે ૧૮ એન્કાઉન્ટર કેસો છે તે કેસોની તપાસ કરતા સતાવાળાઓ પૂરવાર કરવા સક્ષમ છે. આ તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ પાસે મર્યાદીત સત્તા છે. તેમ છતા ફરીયાદી સરફરાઝ ખાન દ્વારા મને આપવામાં આવેલા તમામ પૂરાવાઓ અને સ્ટીંગ ઓપરેશન કરનારા તિર્થ રાજની જુબાની પરથી કહી શકાય કે આ એન્કાઉન્ટર બોગસ છે.
અમદાવાદનાં ગેંગસ્ટર સમીરખાન પઠ્ઠાણના એન્કાઉન્ટર કેસને અસલી ગણાવીને તપાસ એજન્સીએ ઈન્સ્પેકટરો કે.એમ. વાઘેલા અને તરૂણ બારોટની હત્યાના આરોપસર કાર્યવાહી કરવાની ભલામણ કી હતી. ઉપરાંત ૧૩ એપ્રિલ ૨૦૦૬માં થયેલા કાસીમ જાફર એન્કાઉન્ટર કેસને પણ જસ્ટીસ બેદીએ બોગસ માનીને આ કેસ સાથે સંકળાયેલા સબ ઈન્સ્પેકટર કે.એમ. ભરવાડ અને કોન્સ્ટેબલ ગણેશભાઈ સામે હત્યા અંગેની કાર્યવાહી કરવા ભલામણ કરીને મૃતક કાસીમની વિધવા મરીયમને અને તેના પાંચ પુત્રોને ૧૪ લાખ રૂ.ની મદદ કરવા ભલામણ કરી છે. જયારે ૯ ઓકટોબર ૨૦૦૫માં ઉંમરગામમાં હાજી હાજી ઈસ્માઈલના થયેલા એન્કાઉન્ટરને પણ બોગસ માનવામાં આવ્યું છે.
આ કેસ સાથે સંકળાયેલા ઈન્સ્પેકટર કે.જી. ઈરડા, સબ ઈન્સ્પેકટર એલ.બી. મોણપરા, જે.એમ. યાદવ, એસ.કે. શાહ અને પરાગ વ્યાસ સામે હાજી હાજી ઈસ્માઈલની હત્યા કરવા બદલ કાર્યવાહી કરવા જસ્ટીસ બેદીએ ભલામણ કરી છે.
સુપ્રીમમાં ગુજરાત એન્કાઉન્ટર કેસમાં પક્ષકારો જાવેદ અખ્તર અને બી.જી. વર્ગીસના વકીલ પ્રશાંત ભૂષણે જસ્ટીસ બેદીનો આ અંગેના રીપોર્ટ આપવા માંગ કરી હતી જેને રાજય સરકારના વકીલ રજત નાયર અને સીનીયર વકીલ રાકેશ દ્વિવેદીએ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ ચીફ જસ્ટીસ રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી બેંચે આ તપાસ રીપોર્ટની એક નકલ આપવા જણાવ્યું હતુ.
રાજયમાં ગોધરાકાંડ બાદ વર્ષે ૨૦૦૨ થી ૦૭ વચ્ચે થયેલા ૧૮ એન્કાઉન્ટર કેસોમાં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિતના રાજકારણીઓ તથા કે.જી. વણઝારા, અક્ષય ચુડાસમા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે બોગસ એન્કાઉન્ટર કરાવવાના આક્ષેપો થયા હતા. જસ્ટીસ બેદીએ રજૂ કરેલા રિપોર્ટમાં ૧૮માંથી ૧૫ કેસોમાં કોઈ પણ રાજકારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી ન હોવાનું જણાવ્યું છે જેની લાંબા સમયથી બોગસ એન્કાઉન્ટર અંગેના આક્ષેપોનો સામનો કરતા ભાજપી આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ રીપોર્ટથી રાહત મળી છે.