ગૌ પ્રેમીઓ ગૌશાળામાં પોતાના હાથે ગાયોને લાડુ,ખોળ, ગોળ ખવડાવી શકશે શહેરના અલગ અલગ સ્થળોએ મંડપો નખાયા: ગૌ સેવકો ‘અબતક’ના આંગણે
શહેરની ઉત્તર-પશ્ચીમ ભાગોળે જામનગર હાઇવે પર આવેલું નમુના રુપ ગૌતિર્થ શ્રીજી ગૌશાળા એમાં વિરહતી ૧૦૦૦ ગૌમાતાઓના ધીંગા અને તંદુરસ્ત ગૌસમુહને કારણે ગૌ પ્રેમી સમાજનું માનીતું સ્થાન બની રહી છે.
વળી સૌરાષ્ટ્રભરમાંથી તરછોડાઇને આવતી અંધ, અપંગ, બિમાર અને લુલી લંગડી ગૌમાતાઓ માટે શ્રીજી ગૌશાળા છેલ્લા એક દશકમાં સુરક્ષીત સજજ આશ્રય સ્થાન બની રહી છે. અહીં એક એક ગાયને એના આરોગ્ય શારીરિક મુશ્કેલીઓ કે બિમાર અનુસાર અલગ અલગ આશ્રય આપીને નિષ્ણાંત ડોકટરો દ્વારા ચિકિત્સા કરાવીને તંદુરસ્ત અને નિરોગી બનાવી એતું લાલન પાલન કરાવવામાં આવે છે.
ગૌ આધારીત સજીવ ખેતી અને ગૌ સત્વ (પંચગવ્ય) ના વિવિધ રચનાત્મક ઉપયોગો વડે અનેરો ગૃહ ઉપયોગી સામગ્રીના નિર્માણ અને વિતરણ સાથે ગૌશાળા અને પાંજરાપોળોને સ્વાવલંધન તરફ દોરવી જતુ નમુના રુપ કાર્ય કરી શ્રીજી ગૌશાળા સમગ્ર દેશને એક નવો રાહ ચીંધી રહી છે.
આવી અનેક વિધ ગૌસેવા- જીવદયા અને માનસેવા કાર્ય રુપી પ્રવૃતિઓથી ધબકતી શ્રીજી ગૌશાળાના આ સંક્રાંતિદાન પર્વ પ્રસંગે રાજકોટ શહેરભરમાં પ્રત્યેક જાહેર ચોક અને માર્ગો ઉપર તેમજ બધા જ જાણીતા મંદીર દેવાલયોના દ્વારે દાન પ્રાપ્તિ મંડપો ખોલવામાં આવ્યા છે. ત્યારે આપણા ઘરથી માત્ર બે ડગલા ચાલીને ગૌદાન કરી ગૌ ઋણમુકત થવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે.
શહેરના પ્રત્યેક પ્રબુઘ્ધ ગૌપ્રેમી દાતાઓને ખરારુપમાં ગૌસેવા જીવદયાનું કાર્ય કરતી આ સંસ્થાને વિવેકપૂર્વક દાન આપી પુણ્ય અર્જીત કરવા અપીલ કરવામાં આવે છે.
સંક્રાંતિના દિવસે શ્રીજી ગૌશાળા ન્યારા ખાતે ગૌમાતાના સાનિઘ્યમાં રુબરુ જઇ દાન પુણ્ય કરવા સંસ્થા દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત સંક્રાંતિ પર્વે આપના હાથે જ ગૌમાતાઓને લાડુ, લાપસી, ગોળ, ખોળ જેવા વ્યજંનો ખવડાવી પુણ્ય અર્જીત કરવાની વિશેષ વ્યવસ્થા ગૌશાળા દ્વારા કરવામાં આવી છે. દાન આપવાની ટહેલ કરતા ગૌ સેવકો પ્રભુદાસભાઇ તન્ના મો.નં. ૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઇ નગદીયા, વિનુભાઇ ડેલાવાળા, રમેશભાઇ ઠકકર, ચંદુભાઇ રાયચુરા, ભુપેન્દ્રભાઇ છાટબારે અબતકની મુલાકાત લીધી હતી.