પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૭૮ આસામીઓ પાસેથી વસુલાયો વહિવટી ચાર્જ: ૨૯ કિલો પ્લાસ્ટીક જપ્ત
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવા માટે તથા જાહેરમાં કચરો ફેંકતા આસામીઓને દંડ ફટકારવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત ન્યુ રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકતા ૧૧૮ આસામીઓ પાસેથી રૂ.૪૦,૨૧૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આજે વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સિટી અને રૈયા રોડ થી રામદેવપીર ચોકડી સુધીના વિસ્તારમાં ૧૫ આસામીઓ પાસેથી, કાલાવડ રોડ પર નકલંક ચા થી કેકેવી ચોક સુધીના વિસ્તારમાં ૧૪ આસામીઓ પાસેથી, એચ.પી.પેટ્રોલપંપથી ગંગોત્રી ડેરી સુધીના વિસ્તારમાં ૧૬ આસામીઓ પાસેથી, શકિત ટી સ્ટોલથી એજી ચોક સુધી અને પંચાયતનગર ચોક સુધીના વિસ્તારમાં ૩૦ આસામીઓ પાસેથી, નાનામવા રોડ પર બાલાજી હોલ સર્કલ પાસેના વિસ્તારમાં ૨૪ આસામીઓ પાસેથી જયારે મવડી ચોકડીથી સહયોગ હોસ્પિટલ સુધી ઉમિયા ચોક સુધીના વિસ્તારમાં ૧૯ આસામી સહિત કુલ ૧૧૮ લોકો પાસેથી જાહેરમાં કચરો ફેંકવા સબબ ૪૦,૨૧૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અલગ-અલગ દુકાનો પરથી ૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક પણ જપ્ત કરાયું હતું.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ૯૪ આસામીઓ પાસેથી ૧૪ કિલો પ્રતિબંધિત પાન-માવાનું પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું અને ૪૨,૦૪૦નો દંડ વસુલ કરાયો હતો. ઈસ્ટ ઝોન વિસ્તારમાં કુવાડવા રોડ, સંતકબીર રોડ, ન્યુ આશ્રમ રોડ, ભાવનગર રોડ અને કોઠારીયા રોડ વિસ્તારમાં ૮૪ આસામીઓ પાસેથી ૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૨૭,૫૭૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.